‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’,સીએમએ સરપંચોને પાઠવ્યા અભિનંદન

ગાંધીનગર: રૂપાણીએ રાજ્યના સરપંચોને ગામોને‘મારૂં ગામ કોરોના મુકત ગ્રામ’ અભિયાનને સફળ બનાવી જનજાગૃતિથી કોરોના સંક્રમણથી પોતાના ગામને મુકત રાખવા માટે અભિનંદન પાઠવ્યા હતા.

ગ્રામીણ સરપંચો સાથે સેટકોમ માધ્યમથી ‘ગ્રામ વિકાસની વાત, મુખ્યમંત્રીશ્રીને સાથ’ના નવિન અભિગમ અન્વયે સહજ સંવાદ ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી સાધ્યો હતો.
સીએમ રૂપાણીએ કહ્યું કે,‘‘કોરોના હારશે-ગુજરાત જિતશે’’ના ધ્યેય સાથે આપણે રોના મહામારી સામે ઝૂકયા વિના આપત્તિને અવસરમાં પલ્ટાવવાની ખૂમારી દાખવી છે.

મુખ્યમંત્રીએ સૌ સરપંચોને પ્રેરક આહવાન કર્યુ કે, કોરોના સામેની લડાઇનો આ અંતિમ તબક્કો છે. હવે આપણે કિનારે છીયે અને નજીકના ભવિષ્યમાં જ કોરોના વેકસીન આવતાં કોરોનાથી સૌ સલામત થઇ જવાના છીયે.

'મારૂ ગામ કોરોના મુક્ત ગામ',સીએમએ સરપંચોને પાઠવ્યા અભિનંદન

આ સંદર્ભમાં તેમણે સરપંચોને પ્રેરણા આપતાં કહ્યું કે, જેમ ‘મારૂં ગામ કોરોના મુકત ગામ’નો સંકલ્પ તમે સૌએ સતર્કતા, જવાબદારી અને સૌના સહયોગથી પાર પાડયો છે તેમજ ગ્રામીણ વિસ્તારોમાં આ કોરોના વેકસીન પણ સૌને મળે તેવી રાજ્ય સરકારની વ્યવસ્થામાં સક્રિય સહભાગી બનશો.

મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, જે ઢબે ચૂંટણીમાં પોલીંગ બૂથ હોય છે અને પોલિયો રસીકરણ માટે પણ બૂથ બનાવી છેવાડાના વ્યક્તિ સુધીના અંતિમ છૌરના લોકોને આવરી લેવાય છે. તે જ પદ્ધતિએ કોરોના વેકસીન માટે પણ આવા બૂથ બનાવી સરપંચો, પદાધિકારીઓ, ગ્રામજનો સૌના સહયોગથી કોરોના વેકસીનનો ડોઝ છેવાડાના માનવી સુધી પહોચાડવાનું પારદર્શી અને સુદ્રઢ આયોજન કરાશે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દૃષ્ટિવંત આયોજનમાં આ કોરોના વેકસીન લોકોને જલ્દી મળે તે માટેની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વેકસીનને છેક ગ્રામીણ ઇલાકા સુધી પહોચાડવાની સમગ્ર સપ્લાય ચેઇન, વેકસીનના સંગ્રહ અને પ્રિઝર્વેશન માટે કોલ્ડ સ્ટોરેજ જેવી વ્યવસ્થાઓ સરકાર વિકસાવી રહી છે.

સીએમ રૂપાણીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા આ વેકસીન ગ્રામીણ નાગરિકોને મળી રહે તે માટે મોટાભાગના ગામોમાં પ૦ વર્ષથી ઉપરની વયજૂથના વ્યક્તિઓના સરવે શરૂ થઇ ગયા છે અને યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ થઇ છે.

તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, તબક્કાવાર આવી રસી આપવાની કાર્યવાહી શરૂ કરાશે. તે અન્વયે જેમ જેમ વેકસીનનો જથ્થો આવતો જશે તેમ પ્રાયોરિટી નક્કી કરવામાં આવશે.
સીએમ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોના વોરિયર્સ તરીકે કામ કરનારા સરકારી, ખાનગી તબીબો, જનરલ પ્રેકટીસનર્સ, પેરામેડિકલ સ્ટાફ, આંગણવાડી વકર્સ, ૧૦૮ના સ્ટાફ, ૧૦૪ હેલ્પલાઇનનો સ્ટાફ વગેરેને આ રસી પ્રથમ તબક્કે અપાશે.

તેમણે ઉમેર્યુ કે, ત્યાર બાદ, રેવન્યુ, પોલીસ, સફાઇકર્મી જેવા વોરિયર્સને પણ રસીકરમાં આવરી લેવાશે. પ૦ વર્ષથી ઉપરની વયના લોકોને આ રસી અપાયા બાદ પ૦થી નીચેના હોય પરંતુ કોઇ ને કોઇ ગંભીર બિમારી ધરાવતા હોય તેમની પણ અલગ યાદી બનાવી વેકસીનેશન કરાશે.

રાજ્યમાં કોરોના સંક્રમણ સામે સરકારના આરોગ્યલક્ષી પગલાંઓની ભૂમિકા આપતાં કહ્યું કે, સરકારે રેમિડિસીવીર અને ટોસીલોઝૂમેબ જેવા મોંઘા ઇન્જેકશનો કોરોના સંક્રમિત જરૂરતમંદોને વિનામૂલ્યે આપવા મુખ્યમંત્રી રાહત નિધિમાંથી કુલ મળીને રૂ. ૧૦૮ કરોડ જેવી રકમ ચૂકવી છે. તેમણે કહ્યું કે, રાજ્યભરના ૧૪૭૨ PHC, ૩૬૨ CHC, ૯૦૦૦ સબ સેન્ટર અને શહેરી ક્ષેત્રોમાં અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સંબંધિત કામગીરી સારવાર છેલ્લા ૮ મહિનાથી ‘કોરોના હારશે-ગુજરાત જિતશે’ના લક્ષ્ય સાથે આરોગ્ય કર્મીઓ નિભાવી રહ્યા છે.

સીએમ રૂપાણીએ જણાવ્યું કે, ગામડું, ખેતી, ગરીબ સૌ તબક્કાને ધ્યાનમાં રાખીને સરકારે આરોગ્ય સુખાકારી આયોજન સાથોસાથ સાત પગલાં ખેડૂત કલ્યાણના, કૃષિ પેદાશોના પોષણક્ષમ ભાવ, ટેકાના ભાવે ખરીદી, કિસાન સૂર્યોદય યોજના, પશુપાલકોના પશુની ચિંતા જેવા અનેકવિધ કલ્યાણકારી પગલાંઓથી ગ્રામીણ વિસ્તારોને સમૃદ્ધ સંપન્ન કરીને તેના આધાર પર શહેર, રાજ્ય, રાષ્ટ્રનું અર્થતંત્ર, સમાજવ્યવસ્થા સક્ષમ બનાવવાનો યજ્ઞ આદર્યો છે.

‘‘નલ સે જલ’’માં ૮૦ ટકા ગ્રામીણ ઘરો આવરી લેવાયાની વિગતો સાથે ડિઝીટલ સેવા સેતુ, પાણી પુરવઠા યોજનાઓના કામો વગેરેથી ગ્રામીણ ક્ષેત્રોમાં આત્મા ગામનો સુવિધા શહેરની સાકાર કર્યુ છે તેમ પણ જણાવ્યું હતું. તેમણે આ તકે, મહેસાણાના બેચરાજી, કચ્છના રત્નાપર, ડાંગના નડગચૌડ, બનાસકાંઠાના થલવાડા, દાહોદના જેકોટ, સુરતના સુવાલી, જૂનાગઢના ચણાકા અને સુરેન્દ્રનગરના પાદરીના સરપંચો સાથે પરસ્પર સંવાદ સાધીને તેમના ગામમાં કોરોના સંક્રમણ સામે જનજાગૃતિના પગલાંઓ, ૧૪મા નાણાંપંચ અન્વયે વિકાસ કામો માટે નાણાંની સીધી ફાળવણી, સફાઇ, રસ્તા, વીજળી, પાણી તેમજ ડિઝીટલ સેવા સેતુના કામોની સ્થિતીની વિગતો મેળવી હતી.

રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે મુખ્યમંત્રીશ્રીના આ નવતર અભિગમથી ગ્રામીણ કક્ષાના નાનામાં નાના સરપંચને પણ ગામના વિકાસની વાત રજુ કરવાની તક મળી છે તેનો આનંદ વ્યકત કર્યો હતો. ગ્રામીણ સરપંચો સમક્ષ ડિઝીટલ સેવાસેતુ અને કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરીની ફિલ્મો પણ પ્રસ્તૃત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap