મુન્દ્રા પોલીસ કસ્ટોડિયલ ડેથ કેસ, ચારણ-ગઢવી સમાજનો પોલીસ સામે પડકાર

બિમલ માંકડ, કચ્છ: મુન્દ્રા પોલીસ અત્યાચારનો વધુ એક યુવાન ભોગ બન્યા બાદ કચ્છી ચારણ ગઢવી સમાજમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે, મુન્દ્રા પોલીસ કસ્ટોડિયલ ડેથના ફરાર આરોપીઓ હજુ સુધી ઝડપાયા નથી ત્યાં વધુ એક યુવાનનું મૃત્યુ પામતા ચારણ ગઢવી સમાજમાં પોલીસ પ્રશાસન અને સરકાર તથા સત્તાધારી પાર્ટી સામે રોષ ખુલ્લો રોષ જોવા મળી રહ્યો છે.

આ ચકચારી પ્રકરણને લઈને આવતી કાલે એટલેકે ૮ ફેબ્રુઆરી સોમવારના દિવસે ચારણ-ગઢવી સમાજ દ્રારા મુન્દ્રા બંધનું એલાન અપાયું છે અને સમાઘોઘા ગામે વિશાળ સભાનું આયોજન કરીને ગુજરાત સરકાર અને નિષ્ઠુર સત્તાધારી પાર્ટી કે જેના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી તથા પોલીસ પ્રશાસનની આંખો ખોલવા અને સત્તાધારી પાર્ટીને સમાજની શક્તિનો પરચો બતાવવા માટે ઉગ્ર આંદોલન છેડાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

સમાજના બે યુવાનો પોલીસ અત્યાચારનો ભોગ બન્યા છે એ હકીકત હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત પરિવારો માટે સહાનુભૂતિના બે શબ્દો પણ વ્યકત કરાયા નથી અને સહાયની કે આ દુઃખદ ઘટનામાં સામેલ કોઈને પણ છોડવામાં આવશે નહિં તેવી કોઈ હૈયા ધારણ સુદ્ધાં આપવામાં આવી નથી ત્યારે સ્વભાવિક છે સત્તાધારી પાર્ટી અને સરકાર સામે સવાલો ઉઠવાના જ, છતાં કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ પણ હરફ ઉચારવાનું નથી માન્યું એકમાત્ર અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા શિવાય કોઈએ પણ પોતાના પ્રત્યાઘાત આપ્યા નથી.

આ બાબતને અત્યંત શરમજનક ગણાવીને ચારણ ગઢવી સમાજના આગેવાનોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. સરકાર અને સત્તાધારી પાર્ટી હજુ પણ જો મૌન રહી તો આગામી દિવસોમાં ચારણ ગઢવી સમાજમાંથી સત્તાધારી પાર્ટી સાથે જોડાયેલા કઈ કેટલાયના રાજીનામાં પડે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી, અને જો તેમ થાય તો સત્તાધારી પાર્ટીને કચ્છમાંથી ખૂબ મોટું નુકશાન થઈ શકે છે એ વાતની સરકારે ગંભીરતાથી નોંધ લેવી પડશે.

ઉપરાંત પોલીસ પ્રશાસનને સંબંધ છે ત્યાં સુધી પોલીસે હવે કોઇપણ કાળે ફરાર આરોપીઓને શોધી કાઢવા પડશે.ત્યારે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં બનેલી શરમજનક ઘટનામાં ચારણ ગઢવી સમાજ ના બે યુવાનોના મોત થયા બાદ આ મામલે ચારણ ગઢવી સમાજે ઉગ્ર રોષ વ્યક્ત કરતા અને અત્યાર સુધી કોઈ અકળ કારણોસર મૌન ધારણ કરી બેઠેલા કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સત્તાધારી પક્ષ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં એકાએક સંવેદના પ્રગટ થઈ છે અને કચ્છ જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા કચ્છના સાંસદ થી લઈને વાયા રાજ્યમંત્રી વાસણભાઇ સહિત ધારાસભ્ય સુધીના નેતાઓના નામે સંવેદના વ્યક્ત કરી ગઢવી ચારણ સમાજ માં રહેલા રોષને ઠારવાના પ્રયાસો થઇ રહ્યાં છે.

કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કેશુભાઇ પટેલની યાદીમાં જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા, રાજ્યમંત્રી વાસણભાઇ આહિર,ભુજ બેઠકના ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા અને કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ સહિતના નેતાઓ દ્વારા આ ઘટનાને દુઃખદ ગણાવી આરોપીઓને કડકમાં કડક સજા થાય અને ફરાર આરોપીઓ ઝડપથી પકડાય તે માટેની રજૂઆત સાથે પોતાની સંવેદનાઓ છેલ્લી ઘડીઓમાં વ્યક્ત કરાઈ છે.

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા રીતસર મેદાનમાં આવીને પોતાની લાગણી વ્યક્ત કર્યા બાદ કચ્છ જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા કચ્છના ચુંટેલા પ્રતિનિધિઓના હવાલા ટાંકીને વ્યક્ત કરાયેલી સંવેદના હવે ચારણ ગઢવી સમાજ સ્વીકારે છે કે કેમ તે જોવાનું રહ્યું ત્યારે ચારણ-ગઢવી સમાજ દ્વારા મુન્દ્રા બંધનું એલાન અપાયાના પગલે પ્રસાસન દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમાટે પગલાં લેવાઈ રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap