બિમલ માંકડ,કચ્છ: મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામના ગઢવી યુવાનો પર મુન્દ્રા પોલીસ મથકમાં દમન ગુજારાતા ચારણ ગઢવી સમાજના બે યુવાનોના મૃત્યુ નિપજતા કચ્છ સહિત રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. રક્ષક જ ભક્ષક બને ત્યારે આમપ્રજા કેમ સુરક્ષિત રહી શકે તેવો રોષ પણ ભભૂકી ઉઠ્યો છે.

આ ઘટનામાં સામેલ તમામ જવાબદાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે આજે ચારણ સમાજ દ્વારા મુન્દ્રા બંધનું એલાન અપાતા અન્ય સમાજો તેમજ વેપારી એસોસીએશનો દ્વારા પણ સમર્થન આપતા બંધને સજ્જળ પ્રતિસાદ સાંપડયો હતો.
મુન્દ્રા શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બંધની અસર જોવા મળી હતી.ત્યારે પોલીસ દમનની આ સર્મશાર ઘટનામાં બબ્બે યુવાનોના મૃત્યુ નિપજતાં પરિવારજનો પર આભ તુટી પડયું છે. તેની સાથેસાથે ગઢવી સમાજ તેમજ સમગ્ર કચ્છમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં સંડોવાયેલા તમામ પોલીસ કર્મચારીઓની હજુ સુધી ન ઝડપાતા રોષ ફેલાઈ રહ્યો છે.
આરોપીઓને તાત્કાલિક ઝડપીને પરિવારજનોને ન્યાય અપાવવાની માંગ સાથે મુન્દ્રા બંધનું એલાન અપાયું હોઈ તેને સજ્જળ પ્રતિસાદ સાંપડયો હતો. ત્યારે સમાઘોઘા ખાતે અખિલ કચ્છ ચારણ સભા દ્વારા શાંતિ સંમેલન યોજાયું હતું. જેમાં સમાજના મોભીઓ, આગેવાનો, કાર્યકરો સહિતના લોકો કચ્છભરમાંથી ઉપસ્થિત રહ્યા હતા. પોલીસના દમનથી મૃત્યુ પામેલ બે યુવાનોને શ્રદ્ધાંજલિ આપવાની સાથોસાથ આગામી સમયમાં કેવા પ્રકારની રણનીતિ ઘડવી તેના પર પણ ચર્ચા કરાઈ હતી.

અખિલ કચ્છ ચારણ સભાના પ્રમુખ વિજયભાઈ ગઢવીએ જણાવ્યું કે,પોલીસ દ્વારા ગુજારાયેલ દમનમાં બે યુવાનોના મોત નિપજતા સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. અમે આક્રોશને દબાવી બેઠા છીએ. અત્યંત ગંભીર બનાવમાં સરકાર અને આગેવાનો તરફથી મોડી પ્રતિક્રિયા આવી છે. પીડિત પરિવારને ન્યાય અને વળતર મળે તેવી અમારી માંગણી છે. ટ્રાયલ ચાલે ત્યાં સુધી પીડિત પરિવારોને રક્ષણ પણ મળવું જોઈએ ત્યારે માત્ર કચ્છ નહિ પરંતુ સમગ્ર રાજ્યમાં પોલીસની આવી જ પરિસ્થિતિ છે. બંધના એલાનમાં મુન્દ્રા ઉપરાંત ઝરપરા, નાની–મોટી ભુજપુર, બોરાણા, નાના કપાયા, મંગરા, શેખડીયા, વવાર, મોટી ખાખર, મોટા કાંડાગરા, ભાડીયા, બાડા, ભાડા, કોડાય, રાયણ, લાયજા સહિતના ગામોમાં પણ બંધની અસર જોવા મળી હતી. તાલુકા મહેશ્વરી સમાજ, ક્ષત્રિય સમાજ, મુસ્લિમ સમાજ, રબારી સમાજ, આહિર સમાજ, બ્રહ્મ સમાજ, જૈન સમાજ, કોલી સમાજ, ગોસ્વામી સમાજ, ખારવા સમાજ, દેવીપૂજક સમાજ, સોની સમાજ, દરજી સમાજ, લોહાણા સમાજ દ્વારા બંધના એલાનને સમર્થન અપાયું હતું.
કચ્છ બોર્ડર રેન્જ આઈજી મોથાલીયાએ ફરાર શખ્સોને ઝડપી પાડવામાં એ.ટી.એસ ના સોર્સ અને આધુનિક સિસ્ટમની પણ મદદમાં લેવાશે કેમકે આરોપીઓ ગુજરાત બહાર ભાગ્યા હોય તો એટીએસના સોર્સ કામલાગી શકે તેવું જણાવ્યું હતું. શાંતિ સંમેલનમાં અખિલ કચ્છ ચારણ સમાજના પ્રમુખ વિજયભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, તપાસ ચોક્કસ દિશા તરફ આગળ વધી રહી છે. ત્યારે પશ્ચિમ કચ્છ એસપી સૌરભસીંગના સીધા નેતૃત્વ હેઠળ ડી.વાય.એસ.પી જે.એન. પંચાલ સુંદર કામગીરી કરી રહ્યા છે અને સમાજને તપાસ પર પુરતો ભરોસો છે.
સાક્ષિઓને કોઈ ભૂ-માફિયા દબાવે નહીં તે માટે રક્ષણ આપવાની સાથો સાથ કુટુંબને વળતર મળે તે માટે લડત ચાલુ રહેશે. આરોપીઓ સત્વરે પકડાય તે માટે કચ્છ પોલીસની સાથે એટીએસની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. તપાસનીશ ડીવાયએસપી પંચાલે કહ્યું હતું કે ઘટના ખુબ જ દુઃખદ છે, પોલીસ તંત્ર ફરાર આરોપીઓને ઝડપથી ઝડપી લેવા પૂરતા પ્રયત્નો કરી રહી છે.
પોલીસે આપેલી ન્યાયની ખાત્રી બાદ બીજા હતભાગી યુવકનો મૃતદેહ પરિવારજનોએ સ્વીકારી અને અંતિમ સંસ્કારની તૈયારી આદરી હતી બંધને પગલે મુન્દ્રા શહેર સહિત તાલુકામાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.સમાઘોઘા ખાતે યોજાયેલા શાંતિ સંમેલનમાં અખિલ કચ્છ ચારણ સભાના પ્રમુખ વિજયભાઈ ગઢવી, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, એડવોકેટ દેવરાજભાઈ ગઢવી, વાલજીભાઈ ટાપરીયા, હરીભાઈ ગઢવી, જાદવભાઈ ગઢવી, દેવાંગભાઈ સાખરા, ભારૂભાઈ ગઢવી, વરજાંગભાઈ ગઢવી, સામતભાઈ ગઢવી, ઈશ્વરભાઈ ગઢવી, સવરાજભાઈ ગઢવી, પ્રકાશભાઈ ગઢવી, મુળજીભાઈ ગઢવી, નારાણભાઈ ગઢવી, રાણશીભાઈ ગઢવી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિરમભાઈ ગઢવી, વી.કે.ગઢવી, વિશ્રામ ગઢવી, રાજેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, હરેન્દ્રસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, જયેશ આહિર, રાજભા ગઢવી, વિનોદ ગઢવી (ગાંધીધામ), ઝરપરા સરપંચ સામરાભાઈ ગઢવી, પી.સી. ગઢવી, અશોક થારૂ,પલણ જોષી, કિશોરસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઈ જેસર, ચંદુભા જાડેજા, મજીદ તુર્ક, અસલમ તુર્ક, અબ્દ્રેમાન તુર્ક, ગોવિંદ દનિચા, તેમજ દરેક ગામના સરપંચો, ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.ભાજપ કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
