સંજય વાઘેલા, જામનગરઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી જાણે કાળની સવારી નીકળી હોય તેમ એક પછી એક દિવસે માર્ગ અકસ્માતની ઘટના બની રહી છે જેમાં એક બે નહીં પરંતુ અનેક મોત થઇ રહ્યાં છે. ગુરુવારે વહેલી સવારે જામનગર-ખંભાળિયા હાઈવે પર અકસ્માત થતાં 2 મહિલાના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 3 લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
બનાવની વિગત એવી છે કે જામનગર-ખંભાળિયા વચ્ચે મોડપર-ખાટિયા પાટિયા પાસે કાર પુલ પરથી 20 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર દ્વારકા જિલ્લાનો આહીર પરિવાર હોવાનું સામે આવ્યું છે. અને આસોટા ગામના પરિવારના સભ્યો જામનગરમાં રહેતા સંબંધીને ત્યાં મકાનના વાસ્તામાં આવતા હતા. ત્યારે કાર પુલ પરથી 20 ફૂટ નીચે ખાબકતા બનેવી અને સાળાની નજર સામે જ બંનેની પત્નીના મોત થયા હતા.
