હેમંતકુમાર શાહ: નરેન્દ્ર મોદી મે-૨૦૧૪માં વડા પ્રધાન થયા. તે પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટતા જ ગયા. ૨૦૧૪માં એક બેરલ દીઠ તેલના વાર્ષિક સરેરાશ ભાવ ૯૩ ડોલરની આસપાસ હતા અને તે ૨૦૨૧માં સરેરાશ ૫૪ ડોલર છે. ગયા વર્ષે એક વાર તો એ ૧૧ ડોલરની આસપાસ પણ થયેલો. આમ, ક્રૂડ ઓઇલના ભાવ હજુ પણ વધીને ૨૦૧૪ના સ્તર સુધી આવ્યા નથી.
ભારતની ક્રૂડ ઓઈલની આયાત વધી, પણ ભાવ ઘટવાને લીધે ભારતનું આયાતનું ખર્ચ જોરદાર ઘટ્યું; કારણ કે ભારતની કુલ આયાતમાં ક્રૂડ ઓઈલની આયાત આશરે ૨૦ ટકાની આસપાસ. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાથી ભારત સરકારના અથવા કહો કે તેની IOC, ONGC અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી કંપનીઓનું આયાતનું ખર્ચ જોરદાર ઘટયું.
પરિણામે ભારત સરકારને આજના ૧ ડોલર =૭૩ રૂપિયાના વિનિમય દરે રૂપિયા ૨૨.૭૧ લાખ કરોડનો ફાયદો થયો છે અથવા કહો કે એટલા રૂપિયાની બચત થઈ છે.બીજી તરફ, મોદી સરકાર ક્રૂડ ઓઈલ પરની જકાત વધારીને લગભગ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારતી જ ગઈ છે!! સવાલ એ છે કે છેલ્લાં છ વર્ષમાં બચેલા આ ₹ ૨૨.૭૧ લાખ કરોડ ગયા ક્યાં? આ બચત અંગેના આંકડા રિઝર્વ બેંકના છે.
નોંધઃ લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના મૌલિક છે.
