સંજય વાઘેલાઃ ફૂટપાથ, એક એવી જગ્યા જે રાત પડતાં જ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં હજારો લોકોનું ઘર બની જાય છે. દિવસભર લાખોની સંખ્યામાં આ ફૂટપાથ પાસેથી વાહનો પસાર થાય છે. સુરજ આથમતા જ આ ફૂટપાથ પર ચહલપહલ શરૂ થઇ જાય છે. થોડી જ ક્ષણોમાં અહીં ગરીબ લોકોનું ઘર બની જાય છે. દિવસભર તનતોડ મહેનત કરી થાક્યા-પાક્યા આવેલા મજૂરોનું ઘર બની જાય છે. ફૂટપાથ પર સૂતેલા મજૂરોને વાહને કચડી નાખ્યાની ઘટના કોઇ નવી નથી. પરંતુ સુરતમાં બનેલી ઘટનાથી હ્યદયદ્રવી ઉઠે તેવી છે. એક સાથે 15 હતભાગીઓ માટે કાળ બની આવ્યો હતો ટ્રક.
દારૂ અને ફૂટપાથ !
સુરતના કીમ-માંડવી રોડ પાસે ડમ્પરનો ડ્રાઇવર ચિક્કાર નશામાં ફૂટપાથ પર સૂતેલા લોકોને હડફેટે લીધા જેમાંથી 15 લોકોનાં તો કમકમાટીભર્યા મોત પણ થઇ ગયા. ગુજરાતમાં દારૂબંધી અંગે વર્ષોથી સવાલો ઉઠી રહ્યાં છે. છાશવારે લાખોની કિંમતનો દારૂ આખા ગુજરાતમાંથી પકડાઇ છે. એવું નથી કે ગુજરાતમાં જ ફૂટપાથ પર સૂતેલા મજૂરોના મોત થાય છે. મુંબઇ જેવા મેટ્રો સિટીમાં પણ આવી ઘટના બને છે. આ કિસ્સામાં ડ્રાઇવર દારૂના નશામાં ચકચૂર હોવાનું સામે આવે છે. અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઈવર અને કંડક્ટર બોલવાની કે ચાલવાની હાલતમાં પણ ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.
લોહીના ખાબોચિયા ભરાઇ ગયા
સુરતની ઘટના એટલી ભયાનક હતી કે થોડીવાર માટે તો પોલીસકર્મીઓ પણ વિચારતા થઇ ગયા હતા. ફૂટપાથ પર ઉંઘ માણી રહેલા શ્રમિકો પર ટ્રક ફરી વળતા મોટાભાગના મજૂરોની ડેડબોડી કચડાઇ ગઇ હતી. એક સાથે 13 લોકોના મોતથી ઘટનાસ્થળે રીતસરના લોહીના ખાબોચિયા ભરાઇ ગયા હતા. પોલીસકર્મીઓએ લોહીથી લથપથ મૃતદેહોને ટેમ્પોમાં ભરી હોસ્પિટલ ખસેડ્યા હતા.
