ડીસા પંથકની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી સહિત વ્યવસ્થાપક કમિટીના સભ્યો વિરૂધ્ધ ૧૪.૮૯ લાખની ઉચાપતની ફરીયાદ નોંધાતાં હડકંપ મચી ગયો છે. મહિલા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીએ ઓડીટ દરમ્યાન સિલક રૂ.૧૪.૮૯ લાખ રજુ કરી ન હતી. જેને લઇ તપાસ કરતાં મંત્રી અને વ્યવસ્થાપક કમિટીના સભ્યોએ મળી કુલ ૧૪,૮૯,૩૭૮ ની ઉચાપત કરી હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર ઘટનાને લઇ સહકારી અધિકારીને પોલીસ ફરીયાદ કરતાં ખળભળાટ મચી ગયો છે.
બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાની ધી કુવારા પાદર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મંડળીમાં તા.૨૭/૩/૨૦૧૦ થી મંત્રી તરીકે રહેલા દિનેશભાઇ ડગલાએ મંડળીમાં તા. ૧/૭/૨૦૧૯ થી તા. ૩૦/૯/૨૦૨૦ દરમ્યાન મોટી ઉચાપત કરી હોવાનું સામે આવ્યુ છે. જેમાં ઓડીટ દરમ્યાન મંડળીના રૂ.૧૪,૮૯,૩૭૮ ચોખ્ખી નાણાંકીય ઉચાપત કરી તેમના અંગત ઉપયોગમાં વાપરી હોવાનું સ્પષ્ટ થતાં ચકચાર મચી ગઇ છે. જેમાં મડળીની વ્યવસ્થાપક કમિટીના સભ્યોએ પણ દેખિતી ઉચાપત કરવામાં મદદગારી કરી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
