વિનય પરમાર,રાજકોટ: માલિયાસણ હાઇવે પર ભૂમાફિયાઓએ સરકારી જમીન પર ખકડેલી હોટેલો, પેટ્રોલ-ડીઝલ પંપ, દુકાનો-ઓરડીઓ સહિતના દબાણોનો પ્રાંત-2 અધિકારી ચરણસિંહ ગોહિલની ટીમે ખુદડો બોલાવી દીધો હતો. તંત્રએ બુધવારે સવારથી મેગા ડિમોલીશન હાથ ધરીને 60 કરોડની બજારકિંમની 8000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી હતી. દરમિયાન આવેલી રાજકીય ભલામણોને બુલડોઝર નીચે રગદોળીને ડિમોલીશન ચાલુ રખાયું હતું. ચરણસિંહ ગોહિલનું કડક વલણ જોઇને દાદાગીરી કરતાં ભૂમાફિયાઓ ફરાર થઈ ગયા હતા.

રાજકોટ માલિયાસણ હાઇવે પર માલિયાસણમાં સર્વે નંબર-333 પૈકી, તરઘડીયામાં સર્વે 309 પૈકી તથા કુવાડવાની સર્વે નંબર-557 પૈકીની સરકારી જમીન પર ભૂમાફિયાઓએ મોટાપાયે દબાણો સર્જી દીધા હતા. જેમાં હોટેલ, પેટ્રોલ તથા બાયોડિઝલના પમ્પ, દુકાનો સહિતના કોમર્શિયલ બાંધકામો કરી દેવાયા હતા. ગેરકાયદે દબાણોમાં કોર્મિશયલ ધંધા તેમજ ભાડે આપીને નાણાં રળવાની પ્રવૃત્તિ ધમધમતી હતી.

જો કે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન તરફથી આ દબાણો દૂર કરવાની સૂચના મળી હતી. જેના પગલે પ્રાંત-2 અધિકારી ચરણસિંહ ગોહિલે આ દબાણકારોને નોટિસ ફટકારી હતી. જો કે ભૂમાફિયાઓએ આ નોટિસની અનદેખી કરીને દબાણો ના હટાવતા, પ્રાંત-02 ચરણસિંહ ગોહિલ, તાલુકા મામલતદાર કે. એમ. કથિરિયા પોતાની ટીમ તથા પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ગયા હતા અને બુલડોઝર ચાલુ કરાવી દબાણો તોડવાનું શરૂ કરાવ્યું હતું.
આ દરમિયાન આવેલી રાજકીય ભલામણોને ગોહિલે ગણકારી નહોતી અને ડિમોલીશન વિના રોકાયે ચાલુ રહ્યું હતું. પ્રાંત-2ની ટીમે બુધવારે સાંજ સુધીમાં 22થી 25 દબાણો તોડીને માર્કેટ કિંમત મુજબ, 60 કરોડ રૂપિયાની આઠ હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી હતી.
કોના કોના દબાણો તોડાયા?
•માલિયાસણ સર્વે નં 333 પૈકીઃ 1. માલિક ટપુનવઘણ ખોડા, ભાડુઆત મેહુલ મશરૂ કાટેડા, કોમર્શિયલ હોટેલ, ઠાકર ટી સ્ટોલ 2. માલિક ટપુ નવઘણઃ ભાડુઆત દિનેશ હરિકિશન, ટેમ્પો સર્વિસ 3. કિશન આહિર, ચામુંડા હોટેલ 4. માલિક સુલેમાન જુણેજા, ભાડુઆતઃ અનીલ રાઠોડ, ચાંદની હોટલ તથા બાયોડિઝલ 5. હરિકૃપા પેટ્રોલિયમ, યદુનંદન બાયોડિઝલ 6. ગોહાટી ગુજરાત રોડવેઝ 7. અસલમ ઉનડ પૌતરા, કેબિન-2 છાપરું 8. બાબુ કચરા સોલંકી, માટલાનું વેચાણ 9. ખેતલા આપા ટી સ્ટોલ ત્રિમંદિર આગળ.
•તરઘડિયા સર્વે નં 309 પૈકીઃ 1. પ્રતાપભાઈ રાવતભાઈ ખવડ, રણજીતભાઈ ખાચરભાઈ સૌરવાણીયા, સૂર્યદિપ હોટલ અને બાંધકામ, 2. હિતેશ બટુકભાઈ ગમારા, ગાત્રાળ ટી સ્ટોલ, 3. જય દ્વારકાધીશ ટી સ્ટોલ.
•કુવાડવા સર્વે નં 557 પૈકીઃ 1. ઉબરભાઈ લામકા, ટી સ્ટોલ 2. અશ્વીનભાઈ લામકા, જય દ્વારકાધીશ ટી સ્ટોલ તથા પાન 3. મારૂતિ એન્ટરપ્રાઇઝ.
