ભાવનગર: કોરોના અને અન્ય બીમારીથી થયા એટલા મોત કે ઉભરાયા સ્મશાન
પાર્થ મજેઠીયા: ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. વધતા જતા કોરોના કેસોને લઇ કોરોના સાથેની અન્ય બીમારીઓ ધરાવતા લોકોના મોતની સંખ્યા ખુબ જ મોટી જોવા મળી રહી છે.
કોરોના સાથે અન્ય બીમારીઓ ધરાવતા દર્દીઓના મોતનો આંક 619 જેટલો આ સ્મશાનોના લીસ્ટ પરથી જોવા મળી રહ્યો છે. જેમાં અન્ય બીમારીથી એક જ દિવસમાં પાંચના મોત નિપજતા હાહાકાર મચી ગયો છે, સ્મશાનમાં ફરી લોકો કીટ પહેરી પોતાના સ્વજનોને અગ્નિદાહ આપતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જયારે વધુ હજુ ૩ ના મોતના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
જિલ્લામાં પોઝિટીવ આંક 5348 પર પહોચ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 5177 દર્દીઓ સાજા થતા રજા આપી દેવામાં આવી છે જયારે 69 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે અને હજુ 84 દર્દીઓ સારવાર હેઠળ છે. આ તો સરકારી આંકડાની વાત પરંતુ બીજી તરફ જો કોરોનાની સાથે-સાથે અન્ય બીમારી ધરાવતા લોકો એટલે કે અન્ય બીમારીથી દર્દીઓના સારવાર દરમિયાન મોતના આંકની વાત કરીએ તો તે આંક ખુબ જ મોટો છે.
આ વિશે સાચી માહિતી આપવા તંત્રના કોઈ અધિકારીઓ તૈયાર નથી. પરંતુ જે લોકોના સ્વજનોના મોત કોરોનાની સાથે સાથે અન્ય બીમારીઓના કારણે થયા જેને કો-મોર્બીડથી મોત કહેવાય છે. થોડા દિવસોથી શહેરમાં કોરોનાથી મોતનો આંક સાવ નહીવત છે પરંતુ કો-મોર્બીડથી અનેક લોકોના મોત નીપજ્યા છે.
આ તમામ મૃતકોને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, સ્વજનો અને તંત્રના સાથે રહેલા લોકો દ્વારા પીપીઈ કીટ પહેરી અંતિમ સંસ્કાર કર્યા હતા. આ નોંધ કોરોનાના કારણે મોત અંગે કરવામાં આવતી નથી. હજુ વધુ ૩ લોકોના મોત નીપજ્યા છે અને તેનો રીપોર્ટ અને અંતિમવિધિ બાકી છે.
