કોરોના મહામારીના કારણે સંક્રમણ વધે નહી તે માટે પગલા લેવામાં આવ્યા છે. હાલ તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી તેમજ ભીડભાડ વાળી જગ્યાઓએ લોકોની અવરજવરને કારણે લોકોનો પરસ્પર સંપર્ક વધી રહ્યો છે તેમજ કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ પણ વધી જાય છે. જેથી આવનારા 10 દિવસો સાવચેતીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે.
ભાવનગર જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રો ખાતે આવતીકાલથી અરજદારોના ફરજિયાત રેપીડ ટેસ્ટ કરાશે. તમામ જનસેવા કેન્દ્રો ખાતે સ્વયંભૂ કરવામાં આવતા કોરોના ટેસ્ટ હવે ફરજિયાત કરવામાં આવ્યા છે. આ અંગે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે જિલ્લામાં કોરોના સંક્રમણનો ફેલાવો અટકે તથા આ મહામારી પર સત્વરે કાબુ મેળવી શકાય તે હેતુથી જિલ્લાની તમામ પ્રાંત તેમજ મામલતદાર કચેરીઓ ખાતે આવેલા જનસેવા કેન્દ્રોમાં નિઃશુલ્ક રેપીડ એન્ટીજન ટેસ્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે.
આ ટેસ્ટ શરુ થતા જનસેવા કેન્દ્રો ખાતે આસપાસના ગામડાઓમાંથી લોકો કોરોના સંક્રમિતથી બચી શકશે. ઉપરાંત બહોળી સંખ્યામાં આવતા લોકો કોરોના સંક્રમિત વ્યક્તિની ઓળખ પણ ટેસ્ટ થકી સરળતાથી થઈ શકશે. સાથે સાથે કોરોના સંક્રમિત વિસ્તારની પણ સરળતાથી ઓળખ થઈ શકશે.
ભાવનગર જિલ્લાના સિહોર,પાલીતાણા, ગારીયાધાર, ઘોઘા,ઉમરાળા,જેસર,મહુવા,તળાજા તથા વલ્લભીપુર ખાતે આવેલા જનસેવા કેન્દ્રો ખાતે આ સેવા આવતીકાલથી શરૂ થશે. જયાં આવતા તમામ અરજદારોના ફરજિયાત રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે.જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ અપીલ કરતાં જણાવ્યું છે કે અરજદારો તથા અન્ય નાગરિકો સામે ચાલીને પોતાનો કોવિડ ટેસ્ટ કરાવી તંત્રને સહકાર આપે તે ઈચ્છનીય છે.
