ભાવેશ રાવલ, જૂનાગઢ: પોલીસના SOG ગ્રુપ દ્વારા એક ચોરાયેલા મોબાઇલનું વેચાણ કરતા એક વેપારીને પકડી મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. SOGએ ચોરાયેલા 504 મોબાઇલ ફોન સાથે એક શખ્સની ધરપકડ કરી છે. જેના દ્વારા મોબાઇલ ચોરી થયા બાદ થતા વેચાણનો મોટો ઘટસ્ફોટ થયો છે. આ શખ્સ પાસેથી પોલીસે 27.96 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આજે જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ સેટ્ટીએ આપેલ માહિતી અનુસાર કે રેંજ આઇજી પવારની સૂચના દ્વારા અમે મોબાઇલ ચોરીના બનાવોને ડિટેક્ટ કરવાની સૂચના અને સર્વેલન્સ રાખવા જણાવ્યું હતું. આ સંદર્ભમાં અમારી SOGની ટીમના પીઆઈ ભાટી અને પીએસઆઈ વાળા સહિતના સ્ટાફે તેમના માણસોને આ અંગે ખાસ સૂચનાઓ આપી હતી.
SOGના પોલીસ કોન્સ્ટેબલ ડેર અને વાઢેરને બાતમી મળી હતી કે, જૂનાગઢના ક્રિસ્ટલ એપાર્ટમેન્ટમાં આવેલી રાજ મોબાઇલમાં કાજીમ મહમ્મદ રાજસુમરા ગામેતી ઉ.વ. 26 નામનો શખ્સે કોઈ પણ આધાર પુરાવા વગર મોબાઇલ ખરીદી અને એસેમ્બલ કરી અને વેચી મારે છે. આ શખ્સની દુકાન પર રેડ કરતા પોલીસને જુદી જુદી કંપનીના 504 મોબાઇલ અને લેપટોપ મળી કુલ 27.96 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો હતો.
તમામ ફોન તેણે એક વર્ષમાં ગોંડલના દેવીપૂજક અજય, સન્ની, ધુનાબેન પાસેથી સસ્તા ભાવે મેળવી અને તેના સ્પેર પાર્ટ અલગ અલગ મોબાઇલમાં વાપરી અને તેને છૂટક છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસને મળેલા ફોન પૈકીના 169 ફોનના આઇએમઆઈ નંબર મળી આવ્યા છે. જ્યારે બાકીના ફોનના આઇએમઈઆઈ નંબર મેળવવાના બાકી છે.
