પાર્થ મજેઠીયા, ભાવનગર: એક સમયમાં દેશી પદ્ધતિથી કરવામાં આવતી ખેતી હવે ધીમેધીમે આધુનિક બની રહી છે. આ આધુનિક ખેતી ખેડૂતો માટે સહજ ખર્ચાળ હોય ત્યારે ખર્ચાળ ખેતીને સસ્તી કરવા અવનવા સાધનોની શોધ લોકો કરતા હોય છે. ખેતીમાં વાવણી બાદની અનેક કામગીરી માટે એક માંથી અનેક કામો કરતા એક જુગાડ બાઇક બનાવ્યુ છે.
આવું જ ટ્રેકટર છે કે જેને પણ ખેડૂતો ભાડે કરી વાવણી કરે છે, નિંદામણના કામો કરતા હોય છે. પરંતુ નાના ગામોમાં અમુક ખેડૂતો પાસે જ બળદ અથવા ટ્રેકટર હોય જેથી ભાડે રાખીને ખેતીકામ કરાવતા ખેડૂતોને ટ્રેક્ટર કે બળદના માલિકોના સમય મુજબ તેની અનુકૂળતા મુજબ ખેતી કરવા મજબૂર થવું પડે છે ત્યારે આ તમામ બાબતોનો એક જ ઉપાય આ ભાવનગરના સીદસર ગામના ખેડૂત જયેશ મકવાણાએ શોધી કાઢ્યો છે..
તેમણે એક જુના બાઈકમાં નિંદામણ સહિતના વિવિધ ખેતીકામોના ઉપયોગમાં આવી શકે તેવું એક જુગાડ બાઈક બનાવ્યું છે જેમાં કારનું ડીફ્રેસન સહિતનું ગીયર બોક્ષ ફીટ કરવામાં આવ્યું છે જેનાથી તાકાતમાં ખુબ વધારો થાય છે અને માટીના ઢેફા વચ્ચે પણ આસાનીથી ચાલી શકે છે અને વળાંક સહિતની કામગીરી આસન બની જાય છે.
આ બાઇક માત્ર ૩૦,૦૦૦ રુપિયામાં તૈયાર થાય છે
3000 રુપિયાની કિંમતમાં તૈયાર થતું આ જુગાડ બાઈક કે જેમાં વાવણીની સાથે સાથે નિંદામણના વિવિધ કામો જેમાં કળીયુ, ચાહણો, બેલી, બેલો, દોઢીયો ચાલી શકે છે. તેમજ પાછળ હળની જગ્યાએ ટ્રોલી લગાવી નીરણ વગેરે ખેતરમાંથી ઘરે કે ઘરેથી ખેતરમાં પણ લઇ જઈ શકાય છે. આ ઉપરાંત વરસાદી સિઝનમાં વરસાદ પડી ગયા બાદ 4 કે 5 દિવસ બાદ ખેતરોમાં નિંદામણ વગેરેની કામગીરી ટ્રેક્ટર દ્વારા થઇ શકે છે..
આ જુગાડ બાઈક દ્વારા બે દિવસ બાદ પણ કામગીરી કરી શકાય છે. આ ઉપરાંત આ બાઈકમાં મુકેલા સેટિંગ કારણે કોઈપણ પ્રકારની જમીન પર તેની ક્ષમતા અનુસાર કામગીરી કરી શકાય છે. સામાન્ય રીતે ટ્રેકટર દ્વારા નિંદામણની કામગીરીમાં એક વિઘાએ 250 થી 300 રુપિયા જેટલો ખર્ચ થતો હોય છે જયારે આ જુગાડ બાઈકથી માત્ર 35 થી 40 રુપિયામાં પ્રતિ વીઘે નિંદામણ કરી શકાય છે. જુના બાઈકની કિંમત ખાસ ન હોય જેથી આ બનાવવામાં પણ સસ્તું પડે છે અને સામાન્ય ખેડૂતોને પોસાય પણ શકે છે.
ખેતીના પ્રારંભે ખેતરના ખેડાણ માટે ટ્રેકટર કે બળદની જરૂર પડે છે, ત્યારબાદ વિવિધ પ્રકારની કામગીરી માટે આ જુગાડ બાઈક અતિ ફાયદારૂપ બની રહેશે.
