ચીનના બિઝનેસ ટાયકૂન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક જૈક મા ઘણા મહિનાઓથી લોકોની નજરમાંથી ગાયબ રહ્યાં બાદ જોવા મળ્યા છે. જૈક મા એક વીડિયો કોન્ફરન્સમાં જોવા મળ્યા છે.
ચીની મીડિયા ગ્લોબલ ટાઇમ્સ અનુસાર, જૈક માએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ચીનના 100 ગ્રામીણ શિક્ષકો સાથે વાતચીત કરી છે. જૈક માએ આ મીટિંગમાં શિક્ષકોને કહ્યું, “જ્યારે કોરોના વાયરસ જશે ત્યારે અમે ફરીથી મળીશું.” ઓનલાઇન પ્રોગ્રામના એક વીડિઓમાં, માએ ચર્ચા કરી કે, તે લોક-હિતૈષી કામો પર વધુ સમય કેવી રીતે વિતાવશે. જોકે, હજી એ સ્પષ્ટ નથી થયું કે છેલ્લા બે મહિનાથી જૈક ક્યાં હતા અને તે કોઈ જાહેર કાર્યક્રમમાં કેમ દેખાયો નથી. જૈક મા ગયા વર્ષે ઓક્ટોબરમાં ચીનની સરકારની ટીકા કરી હતી.
રિપોર્ટ અનુસાર, ત્યારબાદથી જૈક મા કોઇપણ જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા નથી. સાથે જૈક મા તેના ટેલેન્ટ શોના અંતિમ એપિસોડમાં દેખાઈ નહતાં. જૈકે પ્રોગ્રામમાં જણાવ્યું હતું કે, “તાજેતરમાં, હું અને મારા સાથીદારો રિર્સચ કરી રહ્યા હતા અને વિચારતા હતા, અમે શિક્ષણના ક્ષેત્રમાં, દેશભરની સુધારણામાં કામ કરવા માટે પોતાને સમર્પિત કરવાનો નિર્ણય લીધો છે અને સામાન્ય સમૃદ્ધિ માટે સખત મહેનત કરવી તે અમારી પેઢીની જવાબદારી છે.”
ચીનના સૌથી સફળ ટાયકૂનમાંના એક જૈક માએ ઓક્ટોબરમાં શાંઘાઈમાં એક ભાષણમાં દેશની નાણાકીય નિયમનકારો અને રાજ્યની માલિકીની બેંકોની આલોચના કરી હતી. માએ સિસ્ટમમાં સુધારા માટે માંગ કરી હતી અને ગ્લોબલ બેંકિંગ રેગ્યુલેશનને ‘વૃદ્ધ લોકોની ક્લબ’ ગણાવી હતી.
