શું ફરી લાગુ થશે લોકડાઉન ? આ રાજ્યના મુખ્યમંત્રીએ શરૂ કરી તૈયારી

નવરાત્રીથી લઇને દિવાળીના તહેવારો પૂર્ણ થઇ ગયા છે. સરકાર દ્વારા એક પછી એક અનલોક ગાઇડલાઇન બહાર પાડીને અર્થતંત્રને વેગ આપવાના પ્રયાસો કરાયા સાથે જ રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી. કોરોના મહામારી અંગે કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી વેક્સીન નહીં આવે ત્યાં સુધી તેને કાબુમાં લેવો અશક્ય છે. તહેવારો બાદ ફરી એકવાર કોરોના માથું ઉંચકે તેવી ચર્ચા વહેતી થઇ હતી જે મહદઅંશે સાચી પણ પડી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો હાલમાં જ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે કોરોનાને લઇને તાકીદની બેઠક બોલાવી હતી. હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવાર 17 તારીખે જણાવ્યું છે કે નાના સ્તરે ફરી લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી શકે છે.

રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. દિલ્હી સરકાર લોકડાઉનની તૈયારી કરી રહી હોવાની વાત સામે આવી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું કે કોરોના રોકવા માટે નાના સ્તરે લોકડાઉન પણ લગાવવામાં આવી શકે છે. દિલ્હીમાં હવે લગ્નમાં 200ની જગ્યાએ 50 લોકો જ સામેલ થઈ શકશે. દિલ્હી સરકારે તેના માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે. બે દિવસ પહેલા જ ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં કોરોનાની સ્થિતિને લઇને સમીક્ષા કરી હતી.

દેશમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. 48 રાજ્યમાં રિકવરી રેટ 95 ટકાથી વધુ છે. દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 88 લાખ 74 હજાર 172 થયો છે. એમાંથી 82 લાખ 88 હજાર 169 સાજા થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 28 હજાર 377 નવા દર્દી મળ્યા છે. છેલ્લા 4 મહિનામાં આ આંકડો સૌથી ઓછો છે. આ પહેલાં 14 જુલાઈએ સૌથી ઓછા 29 હજાર 917 દર્દી મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap