પાર્થ મજેઠીયા, ભાવનગર: રાજયના તમામ ઈન્ટર્ન ડોકટરો સ્ટાઈપેન્ડ વધારાની માંગ સાથે આજથી હડતાળ પર ઉતર્યા છે. જેના ભાગરૂપે ભાવનગર હોસ્પિટલમાં ફરજ બજાવતા ઈન્ટર્ન તમામ ડોક્ટરો સ્ટાઈપેન્ડ વઘારા સહિતની ત્રણ મુખ્ય માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી ગયા છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે તમામ ડોક્ટરોએ સુત્રોચ્ચાર પોકારીને માંગ પૂરી કરવા માંગણી કરી હતી.
એપ્રિલ મહિનાથી કોવિડ ડેડીકેટેડ સેન્ટર ખાતે સતત ફરજ બજાવી રહ્યાં છીએ, રાજયમાં 300 જેટલા સરકારી ઈન્ટર્ન ડોકટરો કોરોનાથી સંક્રમિત થયા છે. જે સંપૂર્ણ સ્વસ્થ થઈને બમણા જુસ્સા સાથે ફરજ બજાવી રહ્યાં છે.
ડોકટર દર્શન જાસોલીયાએ જણાવ્યુ હતું કે, અન્ય રાજયોમાં 40થી 50 હજાર સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે જયારે અમને 12 હજાર આપવામાં આવે છે. આ બાબતે આરોગ્ય મંત્રી નિતિનભાઈ પટેલ અને આરોગ્ય સચિવ જયંતિ રવિને સ્ટાઈપેન્ડ વઘારા સહિતની ત્રણ માંગણીઓ માટે રજૂઆત કરવામાં આવી હતી અને 15 દિવસનો સમય આપવામાં આવેલ તેમ છતાં માંગણી પ્રત્યે ઘ્યાન આપવામાં ન આવતા આખરે હડતાળ પર ઉતરેલા છીએ અને જો માંગણી પુરી કરવામાં નહીં આવે તો હડતાળને લંબાવવામાં આવશે, આ દરમિયાન દર્દીઓને તકલીફ ન પડે તે માટે ઈમરજન્સી સેવાઓ શરૂ રાખવામાં આવશે, ઈન્ટર્ન ડોક્ટરોની સ્ટાઇપેન્ડ સહિતની માંગણીઓ પુરી નહીં થતાં હડતાળનો રાહ લીઘો છે.
160 જેટલા ડોક્ટરો સોશિયલ ડિસ્ટન્સ સાથે હાથમાં કટ આઉટ રાખી સુત્રોચ્ચાર પોકારી માંગણીને દોહરાવી હતી અને જો માંગણી પુરી કરવામાં નહીં આવે તો હડતાળને લંબાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
