નથુ રામડા, જામનગર: રાજ્યભરમાં મેડીકલ કોજેનના ઇન્ટર્ન તબીબોએ પોતાના વેતન સહિતના અનેક પ્રશ્નોને લઈને આજે રાજય વ્યાપી ધરણા, રેલી સહિતના કાર્યક્રમો યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જામનગરમાં એમપી શાહ મેડીકલ કોલેજ સાથે જોડાયેલ ૧૫૦થી વધુ ઇન્ટર્ન તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
રાજ્ય સરકારે આયુર્વેદિક ડૉકટરોને ૫૮ પ્રકારની સર્જરી માટે મંજૂરી આપવાના કરેલ નિર્ણયનો વિવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ, રાજ્યના તમામ ઈન્ટર્ન ડૉકટરોએ હવે સ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારવાની માટેની માગણી સાથે આજથી કોરોના સહિતની તમામ સેવાઓથી અળગા રહી હડતાળ પર ઊતરી ગયા છે. વાત જામનગરની કરવામાં આવે તો આજે એમપી શાહ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા ખાતે ૧૫૦થી વધુ ઈન્ટર્ન ડૉકટરોએ ભેગા થઈ પ્લેકાર્ડ સાથે રેલી કાઢી હતી.પોતાની માગણીઓ દર્શાવતા બેનરો રજૂ કરી માંગણી દોહરાવી હતી.કોરોનાના સમયગાળામાં અન્ય રાજ્ય કરતાં ઓછું વેતન ગુજરાત સરકાર ડોકટરોને આપી રહી છે એવો ઈન્ટર્ન ડૉકટરોએ આક્ષેપ કર્યો છે.
ડૉક્ટરોની હડતાળને લઈને જીજી હોસ્પિટલની તબીબી સેવા પર પણ અસર જોવા મળી છે. ઇન્ટર્ન ડોકટરોની માંગણીઓની વિગત વારે ચર્ચા કરવામાં આવેતો મુખ્યત્વે, ઈન્ટર્ન ડૉક્ટરોનું રૂ. ૧૨૮૦૦ સ્ટાઇપેન્ડ વધારી ઓછામાં ઓછું રૂ. ૨૦૦૦૦ કરવામાં આવે, જે એપ્રિલ માસથી ઈફેક્ટીવ કરી એરિયર્સ ચૂકવવામાં આવે.
આ ઉપરાંત એપ્રિલ મહિનાથી આજદિન સુધી તમામ ઈન્ટર્ન ડૉકટરોને બોન્ડ સમયગાળામાં એક જેમ એક ગણી ઈન્ટર્નશિપ પૂરી કરનારને બોન્ડમુક્ત ગણવા. તેમજ આજદિન સુધી કોરોનામાં જેમણે ફરજ બજાવી છે તેમાં ઈન્ટર્ન ડૉકટરોને પ્રોત્સાહિત માનદ વેતન રૂપે પ્રતિદિન રૂ. ૧૦૦૦નું મહેનતાણું આપવામાં આવે આવી માંગણીઓ કરવામાં આવી છે.
