ગાંધીનગર: આત્મનિર્ભર નગર સેવાની ગુજરાતની અભિનવ પહેલરૂપે રાજ્યની ૧૬ નગરપાલિકાઓમાં ૨૮ જેટલા સ્યુએજ ટ્રીટમેંટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઇ-ખાતમુહૂર્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકાસના રોલમોડેલ ગુજરાત પાસે દુનિયાના લોકોની આધુનિક વિકસીત અને સુઆયોજિત નગર વિકાસની મોટી અપેક્ષાઓ છે.
આ સંદર્ભમાં સીએમ રૂપાણીએ કહ્યું કે નગરોના રસ્તા, ગટર, લાઈટ, પાણીના કામમાં કોઈ કચાશ ન રહે. તેમ જ નાના મોટા શહેરો નગરો સમયાનુકૂળ તમામ સુવિધાયુક્ત બને તે માટેના આયોજનબદ્ધ પ્રયાસો આ સરકારે હાથ ધર્યા છે.
સીએમ રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યની સુરેન્દ્રનગર, વલસાડ અને ગોધરામાં તૈયાર થયેલા કુલ ૧૦૩.૨૬ કરોડના S.T.P. ના લોકાર્પણ તથા ૧૮ નગરપાલિકાઓના બહુવિધ વિકાસ કામોના ખાતમુહૂર્તના પ્રારંભ કર્યા હતા. તેમણે રાજપીપળા નગરની ૧૭.૭૭ કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું પણ ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું.
મુખ્યમંત્રીએ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન અને શહેરી વિકાસ નિગમને આ અભિનવ પહેલ માટે અભિનંદન પાઠવ્યા હતા.
સીએમ રૂપાણીએ કહ્યું કે, રાજ્યના તમામ નગરો S.T.P.-W.T.P. યુક્ત બને અને નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી, નલ સે જલ સ્વરૂપે મળે, ઉપરાંત વપરાયેલા ગંદા પાણીનો પણ રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર તરીકે ખેતીવાડી, બાગ-બગીચા, તળાવો ભરવા જેવા કામોમાં પુનઃ વપરાશ થાય તે દિશામાં નગર સત્તામંડળો આગળ વધે. રાજ્ય સરકારે જારી કરેલી નવી ઐતિહાસિક સોલાર પોલિસીમાં સ્વાયત અને સ્થાનિક સ્તરે સૌર ઊર્જા વીજ વપરાશને વ્યાપક પ્રોત્સાહક જોગવાઈઓ આપી છે તેની વિષદ ભૂમિકા આપી હતી.
રાજ્યની નગરપાલિકાઓને આહવાન કર્યું કે, મ્યુનિસિપાલિટીઝ પોતાની સંપત્તિ ઉપર સૌર ઉર્જા ઉત્પાદન કરે અને પોતાના વપરાશ બાદ વધેલી વીજળી વેચીને આવકના સ્ત્રોત ઊભા કરે. સીએમ રૂપાણીએ જણાવ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં નગરોમાં વિકાસ કામો, પાણી જેવી પાયાની સુવિધાના કામો, ડ્રેનેજના કામો માટે કોઈ આયોજન ન હતું. લોકોને શુદ્ધ પાણી ન મળતું અને નગરોમાં ડ્રેનેજ ના અભાવે મેલેરિયા સહિત નો રોગચાળો પણ ફેલાતો.
તેમણે સ્પષ્ટ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી તરીકે હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જવાબદારી સંભાળી ત્યારથી બે દાયકાથી નગરો મહાનગરોના ડ્રેનેજ, ફિલ્ટર વોટર, ઘર-ઘર જલ જેવા પ્રાથમિક જરૂરિયાતના કામોને પ્રાયોરીટી આપીને આગળ ધપાવ્યા છે.
હવે નગરોમાં સૌરઊર્જા ઉત્પાદનથી ગ્રીન એનર્જીને વેગ આપવા સાથે વીજ બિલ ખર્ચ ઘટાડવા અને નગરપાલિકાઓ સેલ્ફ સફિશિયન્ટ બને તેની પણ વિશેષ કાળજી કરીએ છીએ, તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ એક જ દિવસમાં ૧૩૬ કરોડથી વધુના કામોના ઇ-લોકાર્પણ કરતા ફાટકમુક્ત ગુજરાતની નેમ પાર પડી રહી છે તેમ પણ ઉમેર્યું હતું.
તેમણે દંગા મુક્ત ગુજરાત ખુલ્લામાં શૌચ ક્રિયા મુક્ત ગુજરાત રોગમુક્ત ગુજરાત અને હવે કોરોના મુક્ત ગુજરાત થી આપણે દેશમાં અગ્રેસર રહેવું છે તેમ પણ કહ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ૧૬ નગરપાલિકાઓમાં ૨૨ જેટલા એસ.ટી.પી. ડબલ્યુ.ટી.પી. માટે સોલાર એનર્જી પાવર પ્લાન્ટના ખાતમુહૂર્ત કર્યા તેનાથી વાર્ષિક રૂ. ૪ કરોડથી વધુની વીજળી બચત થશે. મુખ્યમંત્રીએ નગરોમાં સૌર આધારિત વીજળી ઉત્પાદનથી આવક ના સ્ત્રોત નગરપાલિકાઓ ઊભા કરીને ગુજરાત દેશને નવો વિકાસ રાહ બતાવશે અને પ્રાથમિક સુવિધા સાથે આધુનિકતાના સમન્વયથી ગુજરાતના શહેરો સ્માર્ટ સિટીઝ બનશે તેવી અપેક્ષા દર્શાવી હતી.
