ઓસ્ટ્રેલિયા સામે ચોથી અને અંતિમ ટેસ્ટ માટે બ્રિસ્બેન પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમને મંગળવારે બ્રિસ્બેન હોટલમાં ચેક ઈન કર્યા બાદ કેટલીક મૂળ સુવિધાઓથી વંચિત રહેવું પડ્યું હતું. ત્યાર બાદ હવે બીસીસીઆઈ યજમાન ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)નો સંપર્ક કરવામાં લાગી છે. ભારતીય ટીમ જે હોટલમાં રોકાઈ છે ત્યાં તેમને હાઉસકીપિંગ સર્વિસ સાથે સ્વીમીંગ પૂલનો ઉપયોગ કરવાની પણ ના પાડી દીધી છે.
એવું માનવામાં આવે છે કે કોવિડ -19 ટ્રાન્સમિશન કમ્યૂનિટીનેને રોકવા માટે આવુ કરવામાં આવ્યું છે, કારણ કે બ્રિસ્બેનને પહેલેથી જ હોટસ્પોટ ક્ષેત્ર જાહેર કરવામાં આવી છે.
બીસીસીઆઈના એક અધિકારીએ આઈએએનએસને આ વાતની પુષ્ટિ કરી હતી કે, ભારતીય ટીમ મંગળવારે બપોરે બ્રિસ્બેન આવી હતી અને ત્યાર બાદ તેમને હાઉસકીપિંગ, રૂમ સર્વિસ અને સ્વિમિંગ પૂલનો ઉપયોગ કરવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો હતો.
અધિકારીએ કહ્યું, ‘બીસીસીઆઈ આ મામલે CAના સંપર્કમાં છે. આશા છે કે મામલો હલ થશે.”
ભારતીય ટીમ બ્રિસ્બેન જવા માંગતી નહોતી
એવી અટકળો ચાલી રહી હતી કે, ભારતીય ટીમ બ્રિસ્બેન નહીં જાય. જોકે, આ મામલે બીસીસીઆઈ અથવા સીએનું કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ન્યુ સાઉથ વેલ્સની સરહદ પર કોરોના મહામારીના વધતા જતા કેસો અને લોકડાઉનને કારણે હોટેલમાં સખત ક્વોરેન્ટીન નિયમો છે.
ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 1-1ની બરાબરી પર છે. સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો થઈ ગઈ છે. શુક્રવારથી સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ બ્રિસ્બેનનાં ગાબા મેદાન પર રમાશે.
