દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશનની શરૂઆત થઈ છે. જોકે, પ્રથમ તબક્કામાં માત્ર આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન વોરિયર્સને વેક્સિન આપવામાં આવી રહી છે. આ સાથે હવે બીજા ફેઝમાં પીએમ મોદી સહિત તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને તમામ સાંસદોને કોરોના વેક્સિન આપવામાં આવશે.
બીજા તબક્કા પહેલા મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ડરવા કે, ગભરાવાની જરૂર નથી કારણ કે તમારા બધાને બીજા ફેઝમાં વેક્સિન આપવામાં આવશે, જે 50 વર્ષથી ઉપરના હશે. આવી સ્થિતિમાં, તમામ સાંસદો, ધારાસભ્યો અને 50 વર્ષથી ઉપરના મંત્રીઓને બીજા તબક્કામાં કોરોના રસી આપવામાં આવશે.
દેશમાં બે વેક્સિન- સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે અગાઉ કહ્યું છે કે, બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે. જોકે, દેશમાં જે ગતિથી વેક્સિન આપવામાં આવી રહી છે તે મુજબ વેક્સિનેશનનો બીજા ફેઝ ફક્ત માર્ચ અથવા એપ્રિલમાં જ શરૂ કરવામાં આવશે.
હરિયાણા, બિહાર અને ઓડિશા જેવા રાજ્યોના મુખ્યમંત્રીઓએ સૂચન આપ્યું હતું કે, ધારાસભ્યો, સાંસદો અને અન્ય જનપ્રતિનિધિઓને ફ્રન્ટલાઈન કાર્યકર્તાઓ માનવા જોઈએ અને કોરોના વેક્સિન આપવામાં આવે.
