રવિ નિમાવત,મોરબી: જિલ્લામાં ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં બે માસ પૂર્વે ચાર કિશોરોએ એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને સમગ્ર બનાવનો વીડિયો બનાવ્યો હતો,જે વીડિયો વાયરલ થતા બે માસ પૂર્વેની ઘટના પ્રકાશમાં આવી છે અને ભોગ બનનારના પિતાની ફરિયાદને આધારે ટંકારા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.
ટંકારાના ગ્રામ્ય પંથકમાં રહેતા બાળક સાથે બે માસ પૂર્વે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. જેમાં ૧૨થી ૧૫ વર્ષની વયના ચાર કિશોરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને આ બનાવનો વીડિયો મોબાઈલમાં બનાવ્યો હોય અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. જે વીડિયો ભોગ બનનાર બાળકના પિતા સુધી પહોંચતા ભાંડો ફૂટ્યો હતો અને ભોગ બનનારના પિતા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.
જેમાં ભોગ બનનારના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે 2 માસ પૂર્વે ત્રણ કિશોરોએ તેના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. તેમજ એક કિશોરે તેનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો જે ફરિયાદને આધારે ટંકારા પોલીસે ચારેય કિશોરો વિરુધ કલમ ૩૭૭,૩૩૪,૧૪૪ તેમજ પોસ્કો એક્ટ ઉપરાંત આઈટી એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ પ્રોબેશનલ એસપી ગુપ્તા ચલાવી રહ્યા છે.
