બિમલ માંકડ,કચ્છ: દિવાળી પર્વને હવે માત્ર બે દિવસ બાકી છે, ત્યારે કચ્છમાં પરવાના વિના ફટાકડા વેચતા ધંધાર્થીઓને તંત્રનો છૂટોદોર હોય તેવું ચિત્ર ઉપસી આવે છે. તંત્રની મંજૂરી લઈ ફટાકડા બજારમાં જે વેપારીઓ ધંધો કરે છે. તેઓ માટે નિયમોની ભરમાર છે, પરંતુ બજારમાં ફટાકડા વેચતા ધંધાર્થીઓ પર કોઈ કાર્યવાહી ન કરીને તંત્રને આડકતરી રીતે આવા વ્યવસાયને સમર્થન આપતું હોય તેવું ચિત્ર જણાઈ આવે છે.
ભુજમાં પ્રિન્સ રેસીડેન્સી સામેના ગ્રાઉન્ડ, માધાપર યક્ષ મંદિર, ગાંધીધામમાં ડીપીટી મેદાનમાં તંત્રની મંજૂરીથી હંગામી ફટાકડા બજાર શરૂ થઈ છે. જોકે, ભુજ, ગાંધીધામ, અંજાર, નખત્રાણા, નલિયા, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા સહિતના વિસ્તારોમાં પરવાનગી વિના ફટાકડાના ધંધાર્થીઓ દારૂખાનુ વેંચી રહ્યા છે, જે જોખમકારક સાબિત થાય તેવી સ્થિતિ છે. એક તરફ બજારમાં લોકોની ભીડ ઉમટી રહી છે. બીજી તરફ બેરોકટોક દારૂખાનું મંજૂરી વિના વેંચાઈ રહ્યું છે.
ફાયર સેફટીના નિયમોનો ભંગ થઈ રહ્યો છે તેમ છતાં તંત્ર સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત હોઈ આ તરફ વક્રદ્રષ્ટિ કરી શક્યું નથી. બજારમાં વેચાતા ફટાકડાને તંત્ર આડકતરી રીતે સમર્થન આપતું હોઈ તંત્રના માન્ય હંગામી ફટાકડા બજારમાં વેપારીઓને ધંધો કરતા આંખે પાણી આવી જાય છે.
ખરેખર એક જ નીતિ હોવી જોઈએ. તંત્રની બેધારી નીતિથી વેપારીઓને ભારે ફટકો પડી રહ્યો છે. અનેક દુકાનદારો પાસેથી હપ્તા તેમજ ફટાકડા લેવામાં આવતા હોઈ કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી તેવું લોકો જણાવી રહ્યા છે.
