વિનય પરમાર,રાજકોટ: શહેરના ત્રિકોણબાગ પાસે બે દિવસ પહેલા રાત્રે કરફ્યુ ભંગ કરી પતિના બુલેટ પાછળ માસ્ક પહેર્યા વગર નીકળેલી મહિલાએ દંડ ભરવા બાબતે પોલીસ સાથે જીભાજોડી કરતા અચાનક તેના પતિનો મગજ જતા તેણે પોલીસ સામે જ પોતાની પત્નીને ફડાકો મારી દીધો હતો જે ઘટનાનો વીડિયો વાયરલ થતા રમુજી અને ચકચાર પણ મચી જવા પામી છે.
ત્રિકોણબાગ પાસે બે દિવસ પહેલા એ-ડિવિઝન પોલીસનો સ્ટાફ ચેકીંગમાં હતો ત્યારે રાત્રે 10.30 વાગે કરફ્યુનો ભંગ કરી એક દંપતી બુલેટ પર નીકળ્યું હતું આ સમયે મહિલાએ માસ્ક પહેર્યું ન હતું. તેના પતિએ રૂમાલથી મોઢું ઢાંકયું હતું.જેથી ફરજ પરના પોલીસે અટકાવ્યા હતા મહિલાએ માસ્ક નહિ પહેર્યું હોવાથી ત્યાં હાજર પીએસઆઇ ભટ્ટે મહિલા પોલીસને મામલો સોંપ્યો હતો.
મહિલા પોલીસે માસ્ક નહિ પહેરતા દંડ વસુલવાની વાત કરતા મહિલાએ જીભાજોડી શરૂ કરી હતી અને પોતાની માસ્ક ઉડી ગયું ગયા સહિતના બહાના બતાવ્યા હતા.આ વખતે તેના પતિએ પોલિસ સાથે માથાકૂટ નહિ કરવા સમજાવટ કરવાનો પ્રયાસ કર્યો છતાં મહિલા નહિ સમજતા બુલેટ પર બેઠા બેઠા જ પતિએ તેની પત્નીને ફડાકો ઝીંકી દીધો હતો.
પોલીસે આ રીતે હાથ નહિ ઉપાડવા પતિને ચેતવણી આપી હતી અને તેના પતિ વિરુદ્ધ ફરિયાદ કરવા કહ્યું હતું પરંતુ પત્નીએ ના કહ્યું હતું અંતે પોલીસે જ મહિલાને માસ્ક આપી રવાના કર્યા હતા.
