‘નશો કરી ક્રૂરતાપૂર્વક શરીર સંબંધ બાંધતો’ રાજકોટની પરિણીતાને કેનેડા લઇ જઈ પતિ ત્રાસ આપતો હોવાની ફરિયાદ

વિનય પરમાર,રાજકોટ: શહેરના યુનિવર્સીટી રોડ ઉપર માવતરે રહેતી પટેલ પરિણીતાએ કેનેડા રહેતા પતિ અને કાલાવડ રોડ ઉપર રહેતા સાસુ-સસરા અને નણંદ સામે ત્રાસ આપી પતિએ ધંધાનું કહી પિતા પાસેથી 45 લાખ રૂપિયા પડાવી લીધાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

શહેરના યુનિવર્સિટી રોડ ઉપર શ્રદ્ધા પાર્કમાં માવતરે છેલ્લા ત્રણ મહિનાથી રહેતા અને લોમાં પીએચડી સુધીનો અભ્યાસ કરનાર ગોરાબેન નીરવભાઈ ઘોડાસરા નામની પરિણીતાએ લંડન રહેતા પતિ નીરવભાઈ, કાલાવડ રોડ ઉપર સૌરભ બંગ્લોમાં રહેતા સાસુ આશાબેન ઘોડાસરા, સસરા મગનભાઈ પુંજાભાઈ ઘોડાસરા અને નણંદ કનિકાબેન ઘોડાસરા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણીના આ બીજા લગ્ન છે જે 23 જાન્યુઆરી 2017ના રોજ થયા હતાં,

હું નીરવથી 10 વર્ષ મોટી છું જે અંગે બધાને ખ્યાલ હતો અને બંનેના પરિવારની મંજુરીથી જ આ લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ સાતેક દિવસ પતિ સાથે રહી તેને કેનેડા જોબ હોય તે ત્યાં જતો રહ્યો હતો. બાદમાં મારા સાસુ-સસરા-નણંદને હું પહેલેથી જ ગમતી નહિ હોવાથી તું ઉંમરમાં મોટી છો, કાઈ કામ આવડતું નથી, અમારા પટેલમાં વહુઓ ઘણો કરિયાવર લાવે, તું કાઈ લાવી નથી, ઘરનું કઈ કામ આવડતું નથી. તેમ કહી મેણાંટોણાં મારતા હતાં.

બાદ જુલાઈ મહિનામાં વિઝા મળતા હું કેનેડા ગઈ હતી. ત્યાં કેલગીરી સિટીમાં રહેતી હતી, પરંતુ નીરવ મારી સાથે પતિ જેવું કોઈ વર્તન કરતો ન હતો મેં બાળકનું કહેતા તેની પણ કોઈ બહાનું કાઢી ના પાડી દીધી હતી. તે તમામ કમાણી દારૂ પીવામાં જ ખર્ચ કરતો હતો. 2018માં ગર્ભાશયમાં ગાંઠ થતા હું રાજકોટ આવી ત્યારે મારો ખર્ચ પણ મારા પિતાએ ઉઠાવ્યો હતો. બાદમાં હું ફરી કેનેડા ગઈ તો પણ નીરવ મને સ્વીકારતો ન હતો. મેં જોબ ચાલુ કરી હતી તો નિરવને પગારમાં રસ હતો. 2019માં રાજકોટ આવી સાસુ-સસરાને વાત કરી તો તેઓએ નીરવનો પક્ષ લીધો હતો અને નિરવે મારી સાથે સંપર્ક તોડી નાખ્યો હતો. જેથી હું ફરી કેનેડા ગઈ હતી તે નિરવને ગમ્યું ન હતું મને તારામાં નહીં તારા પૈસામાં રસ છે તેવું કહ્યું હતું.

દરમિયાન હું પ્રેગ્નેટ થઇ હતી પરંતુ સતત ત્રાસ હોવાની મિસકેરેજ થઇ ગયું હતું. તો પતિએ મને માનસિક સાબીત કરી દીધી હતી અને પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી કેનેડા પોલીસ મને લઇ ગઈ હતી બાદમાં ફરી હું નીરવ સાથે રહેવા જતી રહી હતી. તો મીઠી મીઠી વાતો કરી ધંધા માટે પિતા પાસેથી પૈસાનું કહેતા કટકે કટકે મારા પિતાએ 45 લાખ રૂપિયા એકાઉન્ટમાં અને રોકડા આપ્યા હતાં. તે તમામ પૈસા નિરવે વાપરી નાખ્યા હતા નીરવ દારૂ પીને આવતો અને ક્રૂરતાપૂર્વક શરીર સંબંધ બાંધતો અને ખરાબ વર્તન કરી ત્રાસ આપતો હોવાથી મેં કેનેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ત્યાર બાદ નિરવે ઓચિંતું આવવાનું બંધ કરી દેતા મારી પાસે પણ કોઈ આશરો ન હોય રાજકોટ સાસરે જતા તેઓએ મને કાઢી મૂકી હતી. જેથી મેં અંતે માવતરમાં આશરો લીધો હતો અને ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap