વિનય પરમાર, રાજકોટ: થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા પ્યાસીઓ અધીરા બન્યા છે અને તેનાથી પણ વધુ બમણા ઉત્સાહમાં બુટલેગરો આવી ગયા છે. પરંતુ બુટલેગરો અને પ્યાસીઓ કરતા પણ વધુ સતર્ક રાજકોટની પોલીસ બની ગઈ છે. થર્ટી ફર્સ્ટ માટે મંગાવવામાં આવતા દારૂ ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુંદાળા ગામની વીડીમાં કટિંગ ટાણે દરોડો પાડી 22,77,720 રૂપિયાનો દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી લઇ પોલીસને જોઈ અંધારામાં નાશી છૂટેલા ગુંદાળાના શખ્સ અને તપાસમાં ખુલે તેના વિરુદ્ધ ગુનો નોંધી દારૂ, કન્ટેનર સહીત 37,77,720 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.

જ્યારે એસઓજીની ટીમે કુવાડવા હાઇ-વે ઉપરથી 18,76,800 રૂપિયાનો દારૂ ભરેલા આઇસર સાથે રાજસ્થાનના સગીર સહીત બે શખ્સોને ઝડપી લઇ 33,82,300 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે. આ ટ્રક જૂનાગઢ જતો હોવાનું આરોપીએ જણાવ્યું છે. પોલીસે કુલ 41,54,520 રૂપિયાનો દારૂ અને વાહન સહીત 71,60,020 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.

શહેરમાં થર્ટી ફર્સ્ટ ટાણે પ્યાસીઓ કદાચ તરસ્યા રહી જાય તો નવાઈ નહિ કારણકે જે પ્રકારે રાજકોટ પોલીસે દારૂની હેરાફેરી ઉપર ધોંસ બોલાવી છે તે જોતા કદાચ દારૂ આ વખતે નહિ મળે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની પોલીસ કમિશ્નર અગ્રવાલ, જેસીપી અહેમદ, ડીસીપી જાડેજા, ડીસીપી મીણા અને એસીપી ક્રાઇમ બસીયાની સૂચનાથી ડીસીબી પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ વી સાખરા અને તેની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હિરેનભાઈ સોલંકી, ભગીરથસિંહ ઝાલા, ઉમેશભાઈ ચાવડા અને સંજયભાઈ ચાવડાને મળેલી બાતમી આધારે ધીરેનભાઈ માલકિયા, મહેશભાઈ મંઢ, યોગીરાજસિંહ જાડેજા, દીપકભાઈ ડાંગર, કિરીટસિંહ ઝાલા અને જયપાલસિંહ ઝાલાને સાથે રાખીને ગુંદાળા ગામની વીડીમાં ચાલતા કટિંગ ઉપર દરોડો પાડ્યો હતો પરંતુ પોલીસને અંધારામાં જોઈ વોચમાં બેઠેલા બુટલેગરો નાશી છૂટવામાં સફળ રહ્યા હતા પોલીસે દારૂ ભરેલું મોટું કન્ટેનર ઝડપી પાડ્યું હતું દારૂની ગણતરી કરતા જુદા જુદા બ્રાન્ડની 480 પેટી એટલે કે 22,77,720 રૂપિયાની 5760 બોટલ દારૂ મળી આવતા દારૂ અને હરિયાણા પાસીંગનું કન્ટેનર સહીત 37,77,720 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો આ દારૂ ગુંદાળા ગામના વિનોદ ઉર્ફે વિનુ ઉર્ફે બોખો કાનજીભાઈ ગોરીયાએ મંગાવ્યો હોવાનું જાણવા મળતા વિનોદ અને તપાસમાં જે ખુલે તેના વિરુદ્ધ ગુનો નોંધી તમામની શોધખોળ હાથ ધરી છે તેમજ એસઓજી પીઆઇ આર વાય રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ અતુલ સોનારા અને તેની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના સમીરભાઈ શેખ અને અજીતસિંહ પરમારને મળેલી બાતમી આધારે હરદેવસિંહ રાણા અને નિલેશભાઈ ડામોરને સાથે રાખીને કુવાડવા હાઇવે ઉપર વોચ ગોઠવી હતી.

દરમિયાન ક્રિષ્ના પાર્ક સામેથી બાતમીવાળું આઇશર પસાર થતા અટકાવી જડતી લેતા તેમાંથી ભૂંસાની આડમાં છુપાવેલ જુદા જુદા બ્રાન્ડની 441 પેટી એટલે કે 18,76,800 રૂપિયાનો 5292 બોટલ દારૂ મળી આવતા આઇશરમાં બેઠેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના લકડાસર ગામના દુદારામ ગુમનારામ જાટ અને તેની સાથેના સગીર કલીનરને ઝડપી લઇ બંને વિરુદ્ધ ગુનો નોંધી દારૂ, આઇશર અને બે ફોન સહીત 33,82,300 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે. પકડાયેલ દુદારામની પૂછતાછમાં આ દારૂનો જથ્થો બંને જૂનાગઢ લઈને જતા હોવાનું જણાવ્યું હતું.
20 દિવસમાં ક્રાઇમ બ્રાન્ચે 83 લાખનો દારૂ અને વાહન સહીત 1.68 કરોડનો મુદામાલ કબ્જે
શહેરમાં ગેરકાયદે દારૂની હેરાફેરી ઉપર પોલીસ કાયદેસરની ધોંસ બોલાવી રહી છે.ત્યારે શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમોએ 20 દિવસમાં લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે છેલ્લા 20 દિવસમાં ક્રાઇમ બ્રાન્ચે 82,82,385 રૂપિયાનો 21,571 બોટલ દારૂ, આઇશર, કન્ટેનર અને ટ્રક સહીત 1,68,44,885 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
