નાના માણસોની મોટી બેંક, જન સ્મોલ ફાઇનાન્સ બેંકની 15 શાખાઓનું લોકાર્પણ

ગાંધીનગર: આઇ-ટી રિટર્ન, મોર્ગેજ કે જી.એસ.ટી. નંબર ન ધરાવતા નાના માણસોને નાનું ધિરાણ આપતી બેંક વર્તમાન સમયની માંગ છે. દેશના અર્થતંત્રને ફાઇવ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવા માટે નાના માણસોના હાથ સુધી ધિરાણ-મુડી પહોચે આવશ્યક છે.

જન સ્મોલ ફાઇનાન્સ બેંકની ગુજરાત સ્થિત ૧૫ શાખાઓનું ઇ-લોકાર્પણ ગાંધીનગરથી કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરી ભારતને ફાઈવ ટ્રિલિયન ડોલર ઇકોનોમિ બનાવવાનો જે લક્ષ્ય લઈને ચાલી રહ્યા છે. તેમાં આવા નાના માણસો સ્વરોજગાર કરનારાઓ બેન્કો માંથી લોન સહાય મેળવી પોતાનું યોગદાન આપી શકશે.

નાના માણસોની મોટી બેંક તરીકે રાજ્યમાં જન સ્મોલ ફાઇનાન્સ બેંક કાર્યરત રહીને સામાન્ય માનવી નાના સ્વરોજગાર કરનારાઓને નાણાં સહાય પૂરી પાડવામાં રાજ્ય સરકારની યોજનાઓમાં સહયોગ કરે તેવું સૂચન મુખ્યમંત્રીએ કર્યું હતું.

આ સંદર્ભમાં શ્રી વિજય ભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં મહિલા જૂથોને ધિરાણ સહાય આપવામાં બેંકના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું કે, આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ રાજ્યના ૨.૫ લાખ લોકોને ૨૫૦૦ કરોડનું ધિરાણ મળ્યું છે. અરજદારોને ૨% વ્યાજે ૧ લાખ અને ૪% વ્યાજે ૨.૫ લાખની લોન મળી છે. રાજ્ય સરકારે ક્રમશ: ૬% અને ૪% વ્યાજની સબસિડી આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, રાજ્યની કો-ઓપરેટીવ્સ બેંકોએ પણ નાના માણસોની મોટી બેંક બની લોકોને ધિરાણ આપ્યું છે. સામાન્ય માણસોના હાથમાં મુડી (કેપીટલ) પહોચતા તેઓ બે પાંદડે થશે. ગુજરાતનું અર્થતંત્ર આગળ વધશે. ગ્રામીણ ક્ષેત્રોમાં બેંક મેનેજર આંખની ઓળખાણથી ધિરાણ આપતા હોય છે. લોકો જાત જામીનગીરી પર લોન લેતા હોય છે. જન સ્મોલ ફાઇનાન્સ બેંક તેના નામ પ્રમાણે જન-સામાન્યની બેંક બની રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ રાજ્યની જનતા વતી જન સ્મોલ ફાઇનાન્સ બેંકના અધિકારીઓને અભિનંદન અને શુભેચ્છાઓ અપી હતી.

ભાવનગર, ભરુચ, ઘાટલોડીયા, મોડાસા, વરાછા, ભુજ, મહેસાણા, વલસાડ, ગોધરા, હિંમતનગર, જુનાગઢ, રાજકોટ, કલોલ, નારોલ અને પાટણ ખાતેની જન સ્મોલ ફાઇનાન્સ બેંકની શાખાઓના ઇ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, જન સ્મોલ ફાઇનાન્સ બેંકના એમ.ડી. શ્રી અજય કનવર અને ઝોનલ હેડ શ્રી ગૌરવ જૈઠવા ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap