કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર ‘ઘમંડી’ હોવાનો આરોપ લગાવતા કહ્યું છે કે, સરકારે હવે સત્તાનો પોતાનો ઘમંડ દૂર કરીને ‘રાજધર્મ’નું પાલન કરવું જોઈએ અને ત્રણેય કાળા કૃષિ કાયદા પાછા ખેંચવા જોઈએ. તેમણે એક નિવેદનમાં કહ્યું, “હજુ પણ સમય છે કે,મોદી સરકાર સત્તાના ઘમંડમાંથી બહાર આવે અને ખેડૂતોના આંદોલનને સમાપ્ત કરવા માટે ત્રણ નવા કેન્દ્રીય કૃષિ કાયદાને પાછો ખેંચી લે. આ ‘રાજધર્મ’નું પાલન કરીને એ દિવંગત આત્માઓને સાચી શ્રદ્ધાંજલિ મળશે, જે વિરોધ પ્રદર્શન દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે.”
સોનિયા ગાંધીએ દાવો કરતા કહ્યું કે,”આઝાદી બાદ પહેલી વાર અભિમાની સરકાર સત્તામાં આવી છે. તે ખેડૂતોની પીડાના અને દુ:ખ પણ જોતી નથી, સામાન્ય માણસને ભૂલી જ જાઓ.” કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે,વિરોધ કરતાં 50થી વધુ ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાંથી કેટલાક લોકોએ સરકારના આચરણને કારણે આત્મહત્યા કરી હતી, જ્યારે ઘણા લોકોએ ઠંડીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, મોદી સરકારનો મુખ્ય એજન્ડા કેટલાક પૂંજીપતિઓને ફાયદો પહોંચાડવાનો છે. પરંતુ લોકશાહીમાં, જે સરકાર તેના લોકોની વાત સાંભળતી નથી, તે લાંબા સમય સુધી ચાલતી નથી.
સરકારને જાણ હોવી જોઇએ કે,લોકશાહીનો અર્થ ખેડૂતો અને મજૂરોના હિતોનું રક્ષણ કરવાનું હોય છે.
કડકડતી ઠંડી અને વરસાદના પગલે દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો, મહિલાઓ અને બાળકોની સમસ્યાઓમાં વધારો થયો છે.
