વૈશ્વિક મહામારી કોવિડ-19 વાયરસ સામે રક્ષણ આપતી વેક્સિનની ઈંતેજારીનો અંત આવ્યો છે અને આવતીકાલથી પંચમહાલ સહિત તમામ જિલ્લામાં રસીકરણનો પ્રારંભ કરવામાં આવશે. જિલ્લા કલેકટર અમિત અરોરાએ જિલ્લાના રસીકરણ કેન્દ્રોની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે જિલ્લામાં રસીકરણના પ્રારંભની તમામ તૈયારીઓ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલે રસી આપવા માટે જિલ્લામાં ચાર સ્થળોએ કાલોલ સી.એચ.સી, હાલોલ સી.એચ.સી., શહેરા સી.એચ.સી. અને ગોધરાની નર્સિંગ સ્કૂલ ખાતે રસીકરણ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. આ દરેક રસીકરણ કેન્દ્રો પર 100-100 લાભાર્થીઓને જરૂરી તકેદારીઓ સાથે રસી આપી જિલ્લામાં રસીકરણનો પ્રારંભ કરાવશે.
કાલોલ ખાતે પંચમહાલ જિલ્લા સાંસદ રતનસિંહ રાઠોડ, ગોધરા નર્સિંગ સ્કૂલ ખાતે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, હાલોલ ખાતે કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ તેમજ શહેરા ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ઉપસ્થિત રહી રસીકરણનો પ્રારંભ કરાવશે.
કેન્દ્રો ખાતે ડીપ ફ્રીઝ અને આઇ.એલ.આર. જેવી રસીને સલામત સાચવવાની સુવિધા રાખવામાં આવી છે. રસીનો જરૂરી જથ્થો પણ રસીકરણ કેન્દ્રો ખાતે પહોંચાડી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લાને પ્રથમ તબક્કામાં કોવિશિલ્ડ વેક્સિનના કુલ 11,320 ડોઝ ફાળવવામાં આવ્યા છે, જે ગોધરા ખાતે સ્ટોર કરવામાં આવ્યા છે.
પંચમહાલ જીલ્લામા કોરોના રસીકરણનો પ્રારંભ થવાનો છે.ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા
રસીકરણના કાર્યક્રમને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે.શહેરા ખાતે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્યવિભાગ સાથે સંકળાયેલા કર્મીઓને કોવિડરસી મૂકવામા આવશે,જેને લઇને તડામાર તૈયારી કરી દેવામા આવી છે,શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે રસીકરણ કેન્દ્ર ઉભુ કરવામા આવ્યુ છે.જેમા વેકસીનેશન વોર્ડ નિરીક્ષણ રૂમ ઉભા કરવામા આવ્યા છે.જરૂરી સુચનો સાથેના પોસ્ટરો લગાવામા આવ્યા છે.આમ તંત્ર દ્વારા રસીકરણના કાર્યક્રમને આખરી ઓપ આપવામા આવ્યો છે.
