પાર્થ મજેઠીયા, ભાવનગર: ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેનનો વિવાદ હાલ ચરમસીમાએ પહોચ્યો છે. 6 તારીખના રોજ આચાર્યપક્ષે સ્કીમના નિયમો મુજબ પોતાના ચેરમેન રમેશ ભગતની નિયુક્તિ કરતા હવે દેવપક્ષ અને આચાર્યપક્ષની આ લડાઈ હવે ભાવનગર ચેરિટી કમિશનર પાસે પહોંચી છે. જેમાં આજે દેવપક્ષના હરજીવનદાસ સ્વામી અને આચાર્યપક્ષના એસપી સ્વામી સહિતના સંતો આજે ચેરિટી કમિશનર કચેરી પહોંચ્યા છે અને આ મામલે બપોરે સુનવણી હાથ ધરવામાં આવશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
આજે ભાવનગર પ્રભુદાસ તળાવ ખાતેની ચેરિટી કમિશનરની ઓફિસે ગઢડા ગોપીનાથજી મંદિરના દેવપક્ષ અને આચાર્યપક્ષના સંતો પહોંચતા ફરી વાતાવરણ ગરમાયુ છે.જેમાં ચેરમેન પદના સત્તા પરિવર્તન માટે કોર્ટ સિવાય કોઈ વિકલ્પ ન હોય તેમ હરજીવનદાસ સ્વામીનું કહેવું છે ત્યારે એસપી સ્વામીએ કહ્યું કે જો હરજીવદાસ સ્વામી જે કહી રહ્યા છે તે સાચું હોય તો શા માટે આજે રમેશ ભગતનું ચેરમેન પદ રદ કરવા અહીં પહોંચ્યા છે દેવપક્ષના સંતો.આજે બપોરે આ મામલે ચેરિટી કમિશનર દ્વારા નિયમો અનુસાર સુનવણી હાથ ધરવામાં આવશે.મંદિરના વિવાદ ને લઈ આજે બંને પક્ષઓના હરિભક્તો પણ ચેરિટી કમિશનર ઓફિસે પહોંચ્યા હતા જ્યારે કોઇ વિવાદ વધુ ન વકરે માટે પોલીસ કાફલો પણ ત્યાં પહોંચ્યો હતો.
