દિલ્હી: ભારતમાં આઝાદી મળ્યાં બાદ ઈતિહાસમાં પહેલી વાર કોઈ મહિલા ગુનેગારને ફાંસી આપવામાં આવશે. મથુરા સ્થિત ઉતર પ્રદેશના એકમાત્ર મહિલાને ફાંસીઘરમાં અમરોહાની શબનમને ફાંસી આપવામાં આવશે. ફાંસીની તારીખ નક્કી થઈ નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે મેરઠનો પવન જલ્લાદ આ ફાંસીને અંજામ આપવા જઇ રહ્યાં છે. પવન બે વાર ફાંસીઘરની મુલાકાત પણ લઈ ચૂક્યો છે. એપ્રિલ 2008માં શબનમે તેના પ્રેમી સાથે મળીને તેના કુટુંબના સાત સભ્યોની કુહાડીથી ઘાતકી હત્યા કરી હતી.
આ મામલે સુપ્રીમ કોર્ટે શબનમની ફાંસીની સજાને યથાવત રાખી હતી. રાષ્ટ્રપતિએ તેમની દયા અરજીને પણ ફગાવી દીધી છે. આથી આઝાદી બાદ શબનમ પહેલી મહિલા કેદી હશે જેને ફાંસી અપવામાં આવશે. શબનમે પ્રેમી સલીમ સાથે મળીને માતા-પિતા અને દસ મહિનાના માસૂમ ભત્રીજા સહિત સાત લોકોની કુહાડી વડે હત્યા કરી હતી.
મથુરા જેલમાં દોઢ વર્ષ પહેલા એક મહિલા ફાંસીઘર બનાવવામાં આવ્યું હતું. પરંતુ આઝાદી બાદ કોઈ પણ મહિલાને ફાંસી આપવામાં આવી નથી. વરિષ્ઠ જેલ સુપ્રિટેન્ડેન્ટ શૈલેન્દ્રકુમાર મૈત્રેયએ જણાવ્યું હતું કે, હજી સુધી ફાંસીની તારીખ નક્કી થઈ નથી, પરંતુ અમે તૈયારી શરૂ કરી દીધી છે. ડેથ વોરંટ ઇશ્યુ થતાંની સાથે જ શબનમને ફાંસી આપવામાં આવશે.
