ગાંધીનગર: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ 94 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કેન્દ્રીય વિદેશ મંત્રી રહી ચુક્યા હતા. માધવસિંહ સોલંકીની તબીયત લથડતા આજે વહેલી સવારે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતાં.
ગુજરાતના ચાર વખત માધવસિંહ સોલંકીએ મુખ્યમંત્રી તરીકે પદ સંભાળ્યું હતું. તેઓ ખામ થિયરી માટે પણ જાણીતા હતા. જેના થકી તેઓ 1980માં ગુજરાતમાં સત્તામાં આવ્યા હતાં. ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પિતા છે. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ માધવસિંહના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે, મુખ્યમંત્રીએ રાજ્યમાં માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે.
માધવસિંહ સોલંકીની અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે. સીએમ રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે. સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રી મંડળની બેઠક ગાંધીનગરમાં મળશે અને આ બેઠકમાં માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે
