વિનય પરમાર,રાજકોટ: શહેરના રૈયા રોડ ઉપર માવતરે છેલ્લા ચારેક મહિનાથી રહેતી પરિણીતાએ અમદાવાદ રહેતા સાસરિયા સામે બે વર્ષમાં બીજી વખત દુઃખ ત્રાસ આપવા અંગે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેનો શંકાશીલ પતિ તેની નાની બહેન સાથે સેટિંગ કરાવવા દબાણ કરતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
રાજકોટના રૈયા રોડ આલાપ ગ્રીન સીટી પાછળ ડ્રિમ સીટીમાં માવતરે છેલ્લા 4 મહિનાથી રહેતા જીજ્ઞાબેન દેવવ્રતભાઈ રામાનુજ નામના રામાનંદી સાધુ પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં અમદાવાદ રહેતા પતિ દેવવ્રત હરેશભાઇ રામાનુજ, સસરા હરેશ ઓધવજીભાઈ રામાનુજ, સાસુ અલ્કાબેન, નણંદ કરૂણાબેન અને બીજી નણંદ સપનાબેન જયદીપભાઈ કુબાવત સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણીના લગ્ન 19 જાન્યુઆરી 2013ના રોજ થયા હતા હાલ સંતનામાં એક દીકરો અને એક દીકરી છે.
લગ્ન બાદ અમો સાયલા ખાતે રહેતા હતાં. 4 વર્ષ ત્યાં રહ્યા બાદ બધા અમદાવાદ રહેવા ગયા હતા મારા સાસરિયાઓને હું પહેલેથી જ ગમતી ન હતી જેથી તેઓ ત્રાસ ગુજારતા હતાં. જેને લીધે મેં 21 જાન્યુઆરી 2019ના રોજ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં સમાધાન થઇ જતા મેં કેસ પાછો ખેંચી લીધો હતો. આ ફરિયાદ કર્યાનો ખાર રાખી સાસરિયાઓ નાની નાની બાબતમાં ઝઘડો કરતા અને તે ફરિયાદ કરી એટલે તારે આ બધું સહન કરવું જ પડશે તેમ કહેતા નણંદના લગ્ન થઇ ગયા હોવા છતાં તે અમારા ઘરે જ રહેતા અને કોઈ કામ કરતા ન હતા મારા પતિ સંકુચિત સ્વભાવના હોય તું કેસ કરવા ક્યાં વકીલ સાથે ગઈ હતી, કોની ગાડીમાં બેઠી હતી, તેવું કહી મારી નાની બહેન સાથે સેટિંગ કરાવવા દબાણ કરતા હતા અને તેની સાથે વાત પણ કરતા હતાં.
ગત 3 સપ્ટેમ્બરના રોજ મારી સાથે ઝઘડો કરી મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મેં પોલીસને ફોન કર્યો હતો. જેથી પોલીસ આવી જતા અમને પોલીસ સ્ટેશને લઇ ગયા હતા. પરંતુ બાળકો મારા પતિને સોંપી દીધા હતા. જેથી હું પિયર આવી ગઈ હતી, મારા બાળકોની યાદ આવતી હોય,પરંતુ મારા પતિ ફોન નહીં ઉપાડતા હોવાથી ફરી અરજી કરી હતી પરંતુ સમાધાન નહિ થતા અંતે ફરિયાદ નોંધાવી હતી.
