જ્યોતિષ શાસ્ત્ર મુજબ આગામી મહા માસની શરૂઆત તુલા લગ્નથી થાય છે, જે ચર લગ્ન છે. ચોથા સ્થાને સૂર્ય,ચંદ્ર, વક્રી બુધ, ગુરૂ, શુક્ર અને શનિની યુતિ પડેલ છે. લગ્નેશ શુક્રએ ભાગ્યેશ બુધ અને પંચમેષ શનિ સાથે કેન્દ્રમાં ચોથા સ્થાને પડેલ છે, જેથી સારો યોગ રચાઈ રહ્યો છે.
ભારત દેશ માટે આ ગ્રહોની યુતિ નવમા સ્થાને હોઈ વિકાસલક્ષી સાબિત થશે. પ્રજાની તંદુરસ્તી, આર્થિકતા તેમજ સકારાત્મક વિચારધારામાં વધારો થાય તેમજ તેમની ઈચ્છાઓ પરી પૂર્ણ થાય તેવા સમાચાર મળે. હવામાનમાં પલટો આવે, કમોસમી વરસાદની સંભાવના રહે, વિદ્યાર્થી ગણના આત્મવિશ્વાસમાં વધારો થાય. જુવાર,બાજરી,મકાઈના ભાવમાં નરમાઇ જોવા મળે તેમજ ચણાના ભાવ સુધારો સંભવ.

શેરબજારમાં શરૂઆતમાં તેજી અને બાદમાં ધીમી ગતિ થાય. વિશ્વના કોઇપણ ભાગમાં હિમવર્ષા તેમજ સુનામી જેવી કુદરતી હોનારત તેમજ આગળ જતાં મહા માસના મધ્ય તેમજ અંતના ભાગમાં મંગળ+રાહુ ભેગા થશે જેથી આતંકવાદી, આગ તેમજ મોટા અકસ્માતોની ઘટનાઓ જોવા મળશે.
ન્યાયાલયમાં જમીન, મકાન, મિલ્કત અને વાહનો ના જૂના કેસોના નિકાલ માટે ઝડપી અમલ થાય તેમજ જૂની ઇમારતઓનું પુનઃ નિર્માણ થાય. વિદેશ વ્યાપાર નીતિ તેમજ સ્થાયી વસવાટ માટેના નિયમોમાં બદલાવ જોવા મળે. પ્રજાજનો જીવન વીમો, મેડિકલ પોલિસી, વાહન પોલિસી ઉતરાવવા માટે વધારે જાગૃત થાય. બેકિંગ પોલિસીમાં બદલાવ શક્ય. સ્ત્રી જાતકો ને કાર્ય સ્થળે બઢતી તેમજ કલાકારોને માન સન્માન પ્રાપ્ત થાય.
જૂની તેમજ નવી ગાડીઓ અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના વેચાણમાં વધારો થાય. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય યાત્રા પ્રવાસમાં અચાનક વધારો જોવા મળશે. સરકાર દ્વારા લાંબા ગાળાના નિર્ણય લેવાય. હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન જેવા મોટા મુદ્દાનું નિરાકરણ જોવા મળશે. હ્રદય રોગના દર્દીઓ માટે કોઈ નવીન પદ્ધતિથીથી નિરાકરણ થઈ શકે તેવા સમાચાર મળી શકે. આયુર્વેદનું મહત્ત્વ વધશે. સાઇબર ક્રાઇમ કરતા ફ્રોડ લોકો પકડાય.
એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના કાયમી સદસ્ય જ્યોતિષી જીગર ત્રિવેદી (ઉવારસદ વાળા)
