ચીનના ઉડ્ડયન રેગ્યુલેટરે કહ્યું છે કે, કોરોનાનું જોખમ વધારે છે. દેશોની વિશેષ ફ્લાઇટ્સ પરના કેબિન ક્રૂએ ડિસ્પોઝેબલ ડાયપર પહેરવા જોઇએ, જેથી તેમને બાથરૂમમાં જવામાં કાપ મૂકી શકાય. આ સાથે તેમણે એ પણ કહ્યું હતુ કે આમ કરવાથી કોરોના વાયરસના ચેપનું જોખમ પણ ઓછું થશે. ચીનના સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (સીએએસી) દ્વારા જાહેર કરવામાં આવેલી નવા માર્ગદર્શિકામાં એરલાઇન્સ, ફ્લાઇટ્સ અને કેબિન ક્રૂ માટે આ ભલામણ કરવામાં આવી છે.
‘એરલાઇન્સમાં કોરોના વાયરસ રોગચાળો 2019 ને અટકાવવા માટેની માર્ગદર્શિકા’ 38 પેઇઝમાં બહાર પાડવામાં આવી છે. ફ્લાઇટ ક્રૂ અને એરપોર્ટ સ્ટાફની માનસિક સ્થિતિની દેખરેખ રાખવા અને તેની દેખભાળ રાખવાના હેતુસર ‘એરપોર્ટ્સ પર રોગચાળો અટકાવવા માટેની માર્ગદર્શિકા’ અલગથી 11 પેઇઝમાં આપવામાં આવી છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમને મનોવૈજ્ઞાનિક પરામર્શની સાથે યોગ્ય કાળજી પૂરી પાડવી જોઈએ.
સીએએસી દ્વારા તેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલી ભલામણમાં જણાવાયું છે કે આ દિશાનિર્દેશો તે ચાર્ટર ફ્લાઇટ્સ પર લાગુ થશે કે જે દેશ અથવા પ્રદેશમાંથી ચીન તરફ આવે છે અથવા જ્યા 10 લાખ લોકો પર 500 થી વધુ કોરોના ચેપના કેસ ધરાવે છે. આ ગાઇડલાઇનમાં વ્યક્તિગત રક્ષણાત્મક ડાયપરની ભલામણ કરવામાં આવી છે. તેણે કેબિન ક્રૂને ડિસ્પોઝિબલ ડાયપર પહેરવા તેમજ વાયરસના જોખમને ટાળવા માટે ટોઇલેટનો ઉપયોગ કરવાનું ટાળવાનું કહ્યું છે. જો કે, તેઓ ખાસ સંજોગોમાં શૌચાલયમાં જઈ શકે છે.
કેબિન ક્રૂ સભ્યો માટે રચાયેલ પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (પીપીઇ) માં પ્રોટેક્ટિવ માસ્ક, ડબલ લેયરવાળા ડિસ્પોઝેબલ મેડિકલ રબર ગ્લોવ્સ, ગોગલ્સ, ડિસ્પોઝેબલ કપડા, ડિસ્પોઝેબલ કેપ્સ, ડિસ્પોઝેબલ પગરખાં હોય છે.
