રાજકોટ: શહેરની મવડી વિસ્તારમાં આનંદ બંગલા ચોક નજીક આવેલી કોવિડ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાત્રે અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. હોસ્પિટલના ICUમાં આગ લાગતા અંદર રહેલા 11 દર્દીઓ પૈકી પાંચ દર્દીઓ મોત નિપજ્યા હતા. આ આગની ઘટનામાં મૃત્યુ પામેલા દર્દીઓના પરવાર જનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
આ ઘટનાને લઈને સીએમ રૂપાણી મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરત કરી છે.આ આગની ઘટનામાં મૃત્યુ પામેલા સંજયભાઈ રાઠોડનાં બહેન આક્રંદ કરી કહ્યું હતું કે, ચાર લાખની સહાય શું 400 કરોડ રૂપિયા આપે તો પણ મારા ભાઈની ખોટ કેમ પુરાય નહીં.
મૃતકોના પરિવાર જનોએ લગાવ્યા આક્ષેપ
મૃત્યુ પામેલા સંજયભાઈ રાઠોડનાં બહેન સંધ્યાબહેન કહ્યું હતું કે, મારા ભાઈને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાતે જ ભાઈ સાથે વાત થઈ હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે લસણ-ડુંગળીવાળું શાક ભાવતું નથી, ઠંડું મોકલજે. રાત્રે ICUનો દરવાજો બંધ રાખવામાં આવ્યો હતો અને સાવ ત્રણ ફૂટનો દરવાજો હતો. એમાં આગ લાગી ત્યારે દર્દીઓને બહાર કેવી રીતે કાઢી શકાય એવો આક્ષેપ કર્યો હતો.
મોરબીના નીતિન મણિલાલ બદાણી પણ આ ઘટનામાં મોત નિપજ્યું છે. નીતિનભાઈના પુત્ર અંકિતભાઈ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, પપ્પા સાથે રાતે નવ વાગ્યે વીડિયો કોલમાં વાત થઈ હતી અને તેમણે કહ્યું હતું કે હવે બધા સૂઈ જાઓ, સવારે વાત કરીશું, પરંતુ અમને શું ખબર કે પપ્પા રાત્રે સૂઈ ગયા સવારે ઊઠશે જ નહીં. મૃતક દર્દીનાં સગાંઓએ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પાસે આવી પહોંચ્યા હતા અને પોતાનાં સગાંઓનો અંતિમ ચહેરો જોવા માટે રાહ જોઈ રહ્યા છે. દર્દીનાં સગાંઓએ આક્ષેપ કર્યો છે કે કોવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી છે, પૂરા પૈસા લઈ લે છે, પરંતુ દર્દીઓને સગવડ આપતા નથી. સાંકડો દરવાજો અને સાંકડાં પગથિયાંને કારણે અમારાં સગાં મોતને ભેટ્યા છે.
