સંજય વાઘેલા: વર્ષ 2020નું વર્ષ કોરોના મહામારી વચ્ચે પૂર્ણ થયું હવે 2021માં કોરોના મહામારીને નાબૂદ કરવા અને જનજીવન રાબેતા મુજબ શરૂ કરવા માટે વેક્સીનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કેટલા ફેઝમાં અને કેવી રીતે વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તે અંગેની માહિતી ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.
પાંચ રાજ્યમાં ચૂંટણી
વર્ષ 2020માં ભલે કોરોના મહામારી વચ્ચે પણ ચૂંટણી યોજાઇ તેવી જ રીતે 2021માં પણ દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આ પાંચ રાજ્યની વાત કરીએ તો આસામ, કેરેલા, પોન્ડીચેરી, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આ પાંચેય રાજ્યોમાં સૌથી ખાસ છે પશ્ચિમ બંગાળની ચૂંટણી. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપ અને મમતા બેનરજીની પાર્ટી વચ્ચે ખરાખરીની ટક્કર જોવા મળી શકે છે.
રામમંદિરની નિર્માણની શરૂઆત
સુપ્રીમ કોર્ટનાં ચુકદા બાદ અયોધ્યામાં રામ મંદિર બનવાનો રસ્તો સાફ થઇ ચુક્યો છે. દેશની સૌથી મોટી કોર્ટે અયોધ્યાની વિવાદિત જમીન પર રામલલા બિરાજમાનનો હક માનવામાં આવે છે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ 5 એકર જમીન આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ રામ મંદિરની ડિઝાઇન મુદ્દે આ જ ચર્ચા છે કે મંદિર કઇ ટેકનીકથી બનશે. જો કે મંદિર ગમે તે ટેક્નિકથી બને પરંતુ તેનું કામકાજ વર્ષ 2021થી જ શરૂ થશે.
નવી સંસદનું કામ
ભારતની સંસદને નવા ભારતનાં મૂલ્યો અને અભિલાષાના વિચાર સાથે નવું સ્વરૂપ આપવામાં આવશે. પીટીઆઈના અહેવાલ અનુસાર શહેરી બાબતોના મંત્રી હરદીપ પુરીના જણાવ્યા અનુસાર નવીનીકરણનો પ્રોજેક્ટ ગુજરાતની એચસીપી કંપનીને સોંપવામાં આવ્યો છે. નવા ભવનમાં લોકસભા સાંસદો માટે લગભગ 888 અને રાજ્યસભા સાંસદો માટે 326થી વધુ સીટો હશે. પાર્લમેન્ટ હોલમાં 1224 સભ્ય એકસાથે બેસી શકશે. સાંસદોને પેપર લેસ ઓફિસની સાથે લાઉન્જ, લાયબ્રેરી અને સમિતિઓ બેઠક ખંડની સાથે જ તમામ પ્રકારની સુવિધાઓ મળશે. સંસદ ભવનમાં તમામ ડિજિટલ સુવિધાઓ હશે.
ISRO ગગનયાન પ્રોજેક્ટ
ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન માનવયુક્ત અંતરીક્ષ યાન મોકલવાની તૈયારીમાં છે. ગગનયાન ઈસરો માટે સૌથી મહત્વનાં પ્રોજેક્ટમાંથી એક છે ત્યારે ઈસરો દ્વારા અંતરીક્ષની સ્થિતિને વધુ સારી રીતે સમજવા માટે એક રોબોટને અંતરીક્ષમાં મોકલશે. આ રોબોટ હ્યુમોનોઈડ મોડલ છે જે માનવ જેવું જ દેખાય છે જેને વ્યોમમિત્ર નામ આપવામાં આવ્યું છે.
