રવિ નિમાવત, મોરબી: આજના ઝડપી યુગમાં લોકોની પૈસા કમાવવાની આંધળી દોટ એ હદે જોવા મળે છે કે લોકો મહેનત કરવાને બદલે રાતોરાત લાખોપતિ બની જવા ખોટા રસ્તે જતા પણ અચકાતા નથી આવો જ કિસ્સો મોરબીમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં ફાયનાન્સ કંપનીના બ્રાંચ મેનેજરની ખુરશી પર બેસેલ શખ્શ રૂપિયાની લાલચમાં ગ્રાહકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા હતાં. જો કે કંપનીમાં જમા નહિ કરાવી લાખોની રકમ ચાઉં કરી ગયો છે. તો ભોપાળું ખુલતા કંપનીના ટેરેટરી મેનેજરે ચીટીંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
મોરબીના ગ્રીન ચોક નજીક રહેતા અને આઈઆઈએફએલ ફાયનાન્સ કંપનીના ટેરેટરી મેનેજર તરીકે ફરજ બજાવતા ભાવિનભાઈ મહેન્દ્રભાઈ મહેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ત્રાજપર ચોકડી પાસે આવેલ આઈઆઈએફએલ કંપનીની બ્રાંચમાં બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતો હાર્દિક લલીતભાઈ દવે દ્વારા ત્રણ ગ્રાહકો પાસેથી લોનની રકમના કુલ રૂ ૮.૧૦ લાખ લઇ લીધા હતાં. જોકે કંપનીમાં રકમ જમા કરાવી ના હતી અને ગ્રાહકો તેમજ કંપની સાથે ચીટીંગ કરી હોવાની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે.
કેવી રીતે કરવામાં આવી છેતરપીંડી ?
ટેરેટરી મેનેજર દ્વારા બ્રાન્ચે જઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ગ્રાહક કાન્તીભાઈ દેવજીભાઈ જાકાસણીયા રહે ધરમપુર વાળાએ ફાયનાન્સ કંપનીમાંથી કુલ ૬ લોન લીધી હોય. જેના રૂ ૪,૫૦,૦૦૦ અન્ય ગ્રાહક જયેશભાઈ ચંદુભાઈ મકવાણા રહે હરિઓમ પાર્ક ઘૂટું વાળાએ ૧ લોન લીધી હોય જેના રૂ ૩,૫૦,૦૦૦ અને રાજુભાઈ મૈયાભાઈ ગમારા રહે ત્રાજપર ચોકડી વાળાની ૧ લોનના રૂ ૧૦ હજાર એમ ત્રણ ગ્રાહક પાસેથી રૂ ૮,૧૦,૦૦૦ની રકમ લીધી હોય જેમાં કંપનીના નિયમ મુજબ એક દિવસમાં ૨ લાખથી વધારે ભરી સકાય નહિ જેથી બ્રાંચ મેનેજર હાર્દિક દવેએ ગ્રાહકોને વિશ્વાસ આપ્યો કે લોનની રકમ તે બે-ત્રણ દિવસમાં કટકે કટકે ભરી આપશે અને ત્રણેય ગ્રાહક પાસેથી લીધેલી રકમ કંપનીમાં જમા કરાવી ના હતી અને લાખો રૂપિયા ચાઉં કરી ગયો હોય જે મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
