ખેડૂત આંદોલન મામલે ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, પ્રદર્શન કરવુએ ખેડૂતોનો અધિકાર છે અને તેને રોકવાનો કોઈ સવાલ નથી. શાંતિપૂર્ણ રીતે દેખાવો ચાલી રહ્યા છે, તેથી પોલીસ ખેડૂતો પર બળનો ઉપયોગ ના કરે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે,લોકોના હકનું ઉલ્લંઘન ન થવું જોઈએ.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, “દિલ્હીને બ્લોક કરીને શહેરના લોકો ભૂખ તરફ આગળ વધી શકે છે. તમારા (ખેડૂત)ના ઉદ્દેશ્ય વાટાઘાટ દ્વારા પૂરા થઈ શકે છે. પ્રદર્શન પર બેસવાથી કામ નહી ચાલે.”
ત્રણ કૃષિ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી પિટિશનની સુનાવણી કરતાં, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું કે,તે હાલમાં કાયદાઓની માન્યતા નક્કી કરશે નહીં.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે,”આજે આપણે પ્રથમ અને એકમાત્ર નિર્ણય લઈશું તે ખેડૂતોના વિરોધ અને નાગરિકોના મૂળભૂત અધિકાર વિશે છે, કાયદાની માન્યતા અંગેનો પ્રશ્ન રાહ જોઈ શકે છે.”
કોર્ટમાં એટર્ની જનરલનો જવાબ
એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કોર્ટમાં કહ્યું હતું કે પ્રદર્શનમાં કોઈ માસ્ક પહેરતા નથી, આ ચિંતાનો વિષય છે. આ લોકો ગામડાઓમાં જશે અને કોરોનાના સંક્રમણને વધારી શકે છે. ખેડૂતો બીજાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરી શકતા નથી.
