પંચમહાલ જિલ્લામાં Covid રસીકરણ માટે તંત્ર સજ્જ, આ સ્થળો પર ડ્રાય રન સફળતાપુર્વક પુર્ણ

પંચમહાલ: કોરોના સંક્રમણ સામે સલામતી બક્ષતી વેક્સિનને મંજૂરી મળવા સાથે ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં રસીકરણની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. પંચમહાલ જિલ્લામાં પણ રસીકરણ શરૂ થતા અગાઉ પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લાના વિવિધ છ જેટલા સ્થળોએ ડ્રાય રન યોજાયો હતો.ગોધરામાં દલુની વાડી, હાલોલમાં કંજરી કુમાર પ્રાથમિક શાળા, કાલોલમાં એડબ્લ્યુસી સેટકો ખાતે, શહેરામાં એસ.જી. દવે હાઈસ્કૂલ ખાતે, મોરવા હડફમાં તાલુકા પ્રાયમરી શાળા તેમજ ઘોઘમ્બામાં ઘોઘમ્બા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી ડ્રાય રનમાં ઉપસ્થિત રહી સમગ્ર પ્રક્રિયામાં રાજ્ય સરકાર નિર્દેશિત માર્ગદર્શિકાનું પાલન થઈ રહ્યું છે કે કેમનું નિરીક્ષણ કરતા ઉપયોગી સૂચનો કર્યા હતા.

વેક્સિનેશન માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ: અમિત અરોરા, જિલ્લા કલેકટર

મોરવા હડફ તાલુકા પ્રાથમિક શાળા ખાતે ડ્રાય રનનું નિરીક્ષણ કરવા ઉપસ્થિત રહેલા જિલ્લા કલેકટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે કોવિડ-19 વેક્સિનેશન માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તાલીમબદ્ધ આરોગ્યકર્મીઓ દ્વારા કરવામાં આવેલા ડ્રાય રનથી આ વ્યવસ્થા વધુ સચોટ બનાવી શકાશે. ડ્રાય રનની પ્રેક્ટીસના કારણે તમામ આરોગ્યકર્મીઓ તેમની કામગીરી બાબતે વધુ ચોક્કસ બનશે જેથી વાસ્તવિક રસીકરણ કાર્યક્રમ સમયે કોઈ અવ્યવસ્થા કે દુવિધા ઉભી થવાનો અવકાશ ન રહે.

ડમી લાભાર્થી પર ડ્રાય રન કરવામા આવ્યુ

આરોગ્યકર્મીઓ રસીકરણની સ્ટાન્ડર્ડ પ્રોસિજર તથા ઑનલાઈન સોફ્ટવેરની કાર્યપદ્ધતિથી અવગત થાય તેવા હેતુ સાથે ડમી લાભાર્થી પર ડ્રાય રન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ વેઈટીંગ રૂમમાં બેસાડી રસી મુકાવવા આવેલા વ્યક્તિઓને ક્રમ મુજબ તેમની આઈડેન્ટીટી ચેક કરવામાં આવી. ત્યારબાદ વેક્સિનેટર ઑફિસર દ્વારા તેમને નોર્મલ સલાઈન ઈન્જેક્ટ કર્યા બાદ કોવિડ વેક્સિનેશન માટે તૈયાર કરવામાં આવેલા સોફ્ટવેરમાં તેની એન્ટ્રી અને વેલિડેશન કરવામાં આવ્યું. રસી લીધા બાદ તેની કોઈ આડઅસર થાય છે કે કેમ તેના પર દેખરેખ રાખવા રસી લેનાર વ્યક્તિઓને 30 મિનિટ સુધી ઑબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવ્યા.

ડ્રાય રનની પ્રકિયા શુ છે ?

ડ્રાય રનની સમગ્ર પ્રક્રિયા વિગતે જોઇએ તો ડ્રાય રનમાં પહેલેથી નોંધાયેલ વેક્સિન લેનાર ઉપભોક્તાનું કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ CO-WIN સોફ્ટવેરમાં નામાંકન થયેલ હોય છે. ઉપભોક્તાએ પોતાનું ઓળખ પત્ર બતાવીને કોરોના વેક્સિન મેળવવાની હોય છે. ત્યાર બાદ તેને મુલાકાત ખંડ એટલે કે વેઇટીંગ એરીયામાં બેસાડવામાં આવે છે અને પ્રાથમિક તપાસ કર્યા બાદ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવે છે.પ્રાથમિક તપાસમાં ઉપભોક્તાને શરદી, ઉધરસ કે અન્ય લક્ષણ જણાઇ આવે તો તેનું વેક્સિનેસન અન્ય દિવસે ગોઠવવામાં આવે છે. પ્રથમ ડોઝ આપ્યા બાદ તેને દેખરેખ હેઠળ અલાયદા રૂમમાં અડધો કલાક બેસાડવામાં આવે છે. આ અલાયદા રૂમમાં દેખરેખ હેઠળ રાખવામાં આવેલ દર્દીને સ્વાસ્થ્ય લગતી કોઇપણ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય ત્યારે સધન સારવાર અર્થે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી વેક્સિનને મંજૂરી મળ્યા બાદ જનસામાન્ય સુધી પહોંચાડવા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું, જેના ભાગરૂપે યોજાયેલી આ ડ્રાય રનમાં દરેક સેન્ટર પર 25 લાભાર્થીઓ માટેનો ડ્રાય રન યોજાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap