શ્રીલંકા સાથેની સિરીઝ રમ્યા બાદ ઇંગ્લેન્ડ ટીમ બુધવારે ભારત પહોંચી છે, જ્યાં ખેલાડીઓ એરપોર્ટથી સીધા ચેન્નઈની હોટલમાં પહોંચ્યા હતા. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ટેસ્ટ સિરીઝ આવતા મહિનાથી શરૂ થવા જઈ રહી છે, જેને ખેલાડીઓ અને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોના કાળમાં ભારતમાં આ પહેલી સિરીઝ હશે, જેને લઈને ખૂબ જ તૈયારીઓ ચાલી રહી છે.
ચેન્નઈ પહોંચ્યા પછી, ઇંગ્લેન્ડના ખેલાડીઓનું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ઈંગ્લન્ડ ટીમે બુધવારે ચાર્ટર ફ્લાઇટ દ્વારા શ્રીલંકાથી ચેન્નઈ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એક અધિકારીએ આઈએનએસને જણાવ્યું કે, ઈંગ્લેન્ડ ખેલાડીઓ દ્વારા કરવામાં આવતા તમામ પરીક્ષણોનાં પરિણામો નેગેટિવ આવ્યા છે. સિરીઝ શરૂ થતાં પહેલા દર ત્રીજા દિવસે કોરોના પરીક્ષણ કરવામાં આવશે.
બુધવાર સાંજ સુધીમાં બંને ટીમો લીલા પેલેસ હોટલના બાયો બબલ પર આવી ગઈ હતી. માત્ર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું હજી આવવાનું બાકી હતું અને અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે તેઓ મોડી રાત્રે ચેન્નઈ પહોંચી ગયા છે. ટીમો 1 ફેબ્રુઆરી સુધી પ્રેક્ટિસ કરશે નહીં અને 2 ફેબ્રુઆરીએ તેમની પ્રથમ પ્રેક્ટિસ સેશન કરશે. તે ચિદમ્બરમ સ્ટેડિયમમાં પરફોર્મ કરશે.
ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ 5 ફેબ્રુઆરીએ રમશે. પ્રથમ ટેસ્ટ ચેન્નઈમાં 5-9 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. છેલ્લી બે ટેસ્ટ અમદાવાદમાં યોજાશે. આ ટેસ્ટ સિરીઝ બાદ પાંચ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય સિરીઝ અને ત્રણ મેચની વન-ડે સિરીઝ હશે.
