વિનય પરમાર,રાજકોટ: શહેરમાં ક્રિકેટ સટ્ટામાં એક એક સેશનમાં લાખો, કરોડોની હારજીત કરી નાખવામાં જેનું નામ મોખરે આવતું હતું એ નામચીન પંટર સંજય એસ્ટ્રોન ઉર્ફે સંજય લીલારામ ભંભલાણી ગજાબહારનું દેવું થઇ જતાં અનેકના પૈસા ડૂબાડીને હોમ પીચ મુકી ભાગી ગયો હતો. સંજય એસ્ટ્રોન સામે શરાફી મંડળીમાંથી રૂ. ૧.૨૫ કરોડ વ્યાજે લઇને ધુંબો મારી દીધાની ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાંચે નામચીન પંટરને શહેરની બાઉન્ડ્રી બહારથી પકડી લીધો હતો.
બનાવ અંગે જાગનાથ પ્લોટમાં ડો.કોશિયાના દવાખાના સામે હરસિધ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા અને વકિલાત સાથે ઢેબર રોડ પર અજન્તા કોમ્પલેક્સમાં આઇશ્રી ખોડિયાર ક્રેડિટ કો.ઓ. સોસાયટી નામથી મંડળી ચલાવતા દિપકસિંહ દોલતસિંહ રાઠોડે આરોપી તરીકે સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર નજીક નવીનનગરમાં શિવાલય મકાન ધરાવતા સંજય એસ્ટ્રોન ઉર્ફે સંજય લીલારામ ભંભલાણી સામે છેતરપીંડી, વિશ્વાસઘાત અને ખૂનની ધમકીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં એવો આરોપ મૂક્યો છે કે, સંજય એસ્ટ્રોન સાથે મિત્રતા હતી અને વર્ષ ૨૦૧૮માં સંજયે પૈસાની ખેંચ હોવાથી પત્નીના નામના મકાન ઉપર લોન માગી હતી.
મંડળીમાં મોટુ ભંડોળ ન હોવાથી સગા સંબંધી પાસેથી વ્યવસ્થા કરીને રૂ. ૧.૨૫ કરોડ અપાવી શકું તેવી વાત કરી હતી. આથી સંજયે તેની પત્ની કાજલબેનની માલિકીના મકાનની ફાઇલ લઇને ૨૦ નવેમ્બર ૨૦૧૧ ના રોજ ઓફિસે આવ્યો હતો. જ્યાં નાના ભાઇ ધર્મેશભાઇ રાઠોડ, કર્મચારી સમીરભાઇ પરમાર અને યાસીનભાઇ મકવાણાની હાજરીમાં રૂ. ૧.૨૫ કરોડ રોકડા ગણી આપ્યા હતા. આ રકમ સવા ટકા શરાફી વ્યાજે એક વર્ષની મુદ્દત માટે આપી હતી. સંજયે રકમ સામે સિક્યોરીટી પેટે રૈયા રોડ પર ચંદનપાર્ક સોસાયટીમાં પત્ની કાજલબેનના નામની ઓરીજનલ ફાઇલ તેમજ સંજયે તેના કર્મચારી વરીયન જયંતીલાલ જોષીના નામે રવિરત્ન પાર્કમાં વેસ્ટ હીલ બિલ્ડીંગમાં ત્રીજા માળના ફ્લેટની ઓરિજનલ ફાઇલ આપી ગયો હતો. એક વર્ષમાં પૈસા પરત ન કરે તો ઉપરોક્ત બન્ને મિલકતના દસ્તાવેજ કરી દેવાની ખાતરી અપી હતી.
દરમિયાન સંજય એસ્ટ્રોન ઉપર મોટી રકમનું દેવુ થઇ જતાં તે રાજકોટ મૂકીને ભાગી ગયો હતો. અને ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. સંજયના ઘરે તપાસ કરવા જતાં સંજયના પત્ની કાજલબેને મંડળી સંચાલક દિપકસિંહ વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હતી. આ ઘટના પછી સંજય એસ્ટ્રોને દિપકસિંહને ફોન કરીને હવે પછી ક્યારેય ઘરે નહીં જવા તેમજ પોતાની તમામ મિલકત રાજુભાઇ રૂપમને સોંપી છે અને કોને કોને પૈસા દેવાના છે તેનું લીસ્ટ પણ રાજુભાઇને આપ્યું છે, રાજુભાઇ તમને બોલાવીને પૈસા ચૂકવી દેશે તેમ કહી હવે મારા ઘરે જશો તો જીવતા નહીં રહેવા દઉં તેવી ધમકી આપી હતી. આથી પોતે રાજુભાઇનો સંપર્ક કર્યો હતો પરંતુ તેણે ક્યારેય બોલાવ્યા નહીં અને રકમ પણ પરત નહીં કરતા ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.વી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ એચ.બી.ધાંધલ્યાએ આરોપી એસ્ટ્રોનને રાજ્ય બહારથી શોધી કાઢી અટકાયતમાં લઇ લીધા પછી ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણમાં અનેકને રેલો આવે તેવી સંભાવના જોવાઇ રહી છે.
કાયદા મુજબ મંડળી સંચલક ૧.૨૫ કરોડનો રોકડો વહિવટ કરી શકે?
સહકારી કાયદા મુજબ સહકારી શરાફી મંડળીના ડિરેક્ટરો તેમના ભંડોળમાંથી જ સભ્યોને લોન,ઘિરાણ આપી શકે. લોન,ધિરાણની ૫૦ હજારથી વધુની રકમ હોય તો તેનો વ્યહવાર ચેકથી જ કરી શકાય છે. આ કેસમાં મંડળી સંચાલકે ભંડોળ ન હોવાથી સગા, સંબંધી પાસેથી ઉછીના લઇને ૧.૨૫ કરોડ રોકડા ચૂકવ્યાનું જણાવતા ઇન્કમટેક્સ વિભાગ પણ આ તપાસમાં ઝંપલાવે તેવી શક્યતા જોવાઇ રહી છે.
સંજય એસ્ટ્રોને ફાયનાન્સરો તેમજ ખાખી,ખાદીને પણ નવડાવ્યાની ચર્ચા
સૂત્રોના જણાવ્યા મુજબ, સંજય એસ્ટ્રોનનો ક્રિકેટ સટ્ટામાં મધ્યાહને સૂરજ તપતો હતો. એક એક મેચમાં લાખો,કરોડોની હાર-જીત કરનાર સંજયના સોદા લખવાનું સ્થાનિક બુકીઓનું ગજું ન હોવાથી ટોચના બુકીઓને કપાત થતી હતી. મુંબઇની પંચતારક હોટલમાં 365 દિવસ માટે સંજયનો રૂમ બુક રહેતો હોવાનું પણ કહેવાય છે. આ સમયમાં સંજય માંગે એટલી રકમ વ્યાજે દેવા લોકો તલપાપડ રહેતા હતા અનેક ફાયનાન્સરો, રાજકારણીઓ અને પોલીસ વિભાગના અધિકારી, કર્મચારીઓની મોટી રકમ સંજય વ્યાજે વાપરતો હતો. જોકે પડતી શરૂ થતાં રાતોરાત શહેર છોડીને ભાગવાનો સમય આવ્યો ત્યારે અનેક લેણદારોએ સંજયની મિલકતો ઉપર કબજા કરી લીધા હતા. એક બાહુબલીએ મધ્યસ્થી કરી અનેકના વહિવટ પણ સુલટાવ્યાની ચર્ચા છે.
