રાજકોટમાં શરાફી મંડળીનું રામ બોલો ભાઇ રામ, 4200 રોકાણકારોના 60 કરોડ લઈ સંચલકો રફૂચક્કર

વિનય પરમાર,રાજકોટ: શહેરમાં વધુ એક શરાફી મંડળીના સંચાલકો થાપણદારોના કરોડો રૂપિયા હડપ કરીને રફૂચક્કર થઇ ગયાની ફરિયાદ નોંધાઇ છે. કાંતાસ્ત્રી વિકાસગૃહ સામે શ્રીમદ્ ભવન બિલ્ડીંગમાં કાર્યરત શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીના સંચાલકો સામે 3 કરોડ ૧૧ લાખ ૮૯ હજાર ૯૦૦ની ઠગાઇ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ છે. એ સિવાય ૪૨૦૦ રોકાણકારોના અંદાજીત ૬૦ કરોડનું ફૂલેકુ ફેરવીને સંચાલકો બે માસ પહેલાં જ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

ભોગ બનનાર રોકાણકારો દોઢેક માસથી સ્થાનિક પોલીસ અને સીઆઇડીમાં ધક્કા ખાઇ રહ્યા હતાં. પરંતુ રાબેતા મુજબ, લાંબા સમય સુધી કોઇ કાર્યવાહી નહીં થતાં કૌભાંડિયાઓને ભાગી છૂટવાનો મોકો મળ્યો હતો. સહકારી ક્ષેત્રના સૌથી મોટા કૌભાંડમાં પણ વિજય માલીયા દેશ છોડી ગયા પછી ફરિયાદ નોંધાઇ હતી. તેમ આ પ્રકરણમાં પણ ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. જો પોલીસે પહેલાં જ આરોપીઓને નજરગ્રહણમાં લઇ લીધા હોત તો થાપણદારોને ડૂબેલી રકમ પરત મળવામની સંભાવના વધુ હોવાની ચર્ચા છે.

પ્રાપ્ત વિગત મુજબ, કોઠારીયા રોડ પર દેવપરામાં રહેતા અને મેડિકલ સ્ટોર ધરાવતા સંજયભાઇ જેન્તીભાઇ સોજીત્રાએ શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન સંજય હંસરાજભાઇ દુધાત્રા, વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી અને મેનેજર વિપુલ રતીભાઇ વસોયા સામે તેમના પરિવારના સભ્યો સહિતના રોકાણકારો સાથે રૂ. 3 કરોડ ૧૧ લાખ ૮૯ હજાર ૯૦૦ની ઠગાઇ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના પિતાની હયાતીમાં વર્ષ ૨૦૧૧-૧૨માં કૌટુંબિક સગા સંજય દુધાગ્રાની મંડળીમાં ૧૧ લાખની ફિક્સ ડિપોઝિટ કરાવી હતી. મંડળી સંચાલકે વાર્ષિક ૧૨ ટકા વ્યાજ આપવાનો વિશ્વાસ આપ્યો હતો. પિતાનું ૨૦૧૪માં અવસાન થતાં ૧૮ લાખની ઉઘરાણી આવી હતી. એ પણ મંડળીમાં પરિવાના અલગ અલગ ૨૨ સભ્યના નામે કુલ રૂ. 3૧.૬૭ લાખની ફિક્સ ડિપોઝિટ કરાવી હતી. સંચાલક દર વખતે પાકતી મુદ્દતે વ્યાજ સહિત નવી એફ.ડી. રિન્યુ કરતા હતા. જૂન ૨૦૨૦માં વ્યાજની રકમ લેવા મંડળીમાં જયા ત્યારે ચેરમેન સંજયે હાલમાં પૈસાની સગવડ નથી બે મહિના પછી લઇ જજો તેમ કહ્યું હતું.

બે મહિના પછી જતાં ઓફિસ બંધ હતી. ત્યારે પછી ઓક્ટોબરમાં મોટાભાઇ જીતુભાઇને નાણાની જરૂરિયાત હોવાથી મંડળીએ ગયા ત્યારે ચેરમેન હાજર ન હતા, રૂપિયા ઉપાડવાની વાત કરતા મેનેજેર વિપુલે પૈસા નથી, કોઇ સભ્યોને નાણા નથી આપવાના તેમ કહી રવાના કરી દીધા હતાં. થોડાં દિવસ પછી મંડળીની ઓફિસે જતાં મંડળીએ તાળા લટકતા હતાં. તેમજ ફસાયેલા થાપણદારોની ભીડ હતી. તપાસ કરતા મંડળી સંચાલકો ૪૨૦૦ સભ્યોના ૬૦ કરોડ ઉસેડીને ઓફિસ, ઘરને તાળા મારી પલાયન થઇ ગયાની માહિતી મળી હતી. પીઆઇ જે.ડી.ઝાલાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નોંધનિય છે કે, અરજદારોએ નાણા પરત મેળવવા દોઢ મહિના પહેલાં પોલીસ અને સીઆઇડીમાં પણ મંડળી સંચાલકો વિરૂધ્ધ અરજી કરી હતી. પરંતુ આવા મસમોટા કૌભાંડમાં અગમ્ય કારણોસર પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap