શું મને કોરોના છે ? શું મને કોરોના થઇ શકે છે ?

ડૉ. યોગેશ ગુપ્તા, જો હું ડૉક્ટર તરીકે કહું તો કોને ક્યારે કોરોનામાં ચેપ લાગશે તે નક્કી કરવું મુશ્કેલ છે પરંતુ એક વાત દિવા જેવી સ્પષ્ટ છે કે આ રોગ વય, જાતિ, અમીર અથવા ગરીબમાં ભેદ પાડતો નથી. આ રોગ કોઈને બક્ષતો નથી – તે મુંબઈની ધારાવીમાં પણ થાય છે તો શહેનશાહ કહેવાતા બચ્ચનને પણ થાય છે.તમને ચેપ લાગશે કે નહીં લાગે ? ક્યારે લાગશે ? કેવી રીતે લાગશે એ હાલના તબક્કે કોઈ જાણતું નથી. પણ જો આપણા બેકાળજી ભરેલા વર્તન અને વ્યવહારથી કે પછી કોરોના અંગેની ગાઇડલાઇન ન પાળીને આપણા વૃદ્ધોને અથવા બાળકોને અથવા કુટુંબના કોઈ પણ સભ્યને જો આપણા થી ચેપ લાગી જશે તો એના માટે માત્ર ને માત્ર આપણે જ જવાબદાર હોઈશું,અને આપણા આ કૃત્ય માટે કદાચ આપણે આખી જીંદગી પોતાને દોષિત અનુભવીશું.

જે ક્ષણે સરકારે અનલોકની ઘોષણા કરી કે તરત આપણે જાણે કોરોના પતી ગયો છે એવી રીતે પાનના ગલ્લાઓ પર, ચાની કીટલીઓ પર, રસ્તાની આજુ બાજુએ ફરી એજ જૂની ઢબે મેળાવડા શરૂ કરી દીધા.પણ આ બેકાળજી વાળી વર્ણતુક કરતી વખતે આપણે ભૂલી ગયા કે સરકારે આ અનલોક આપણા માટે અને આપણા અર્થ તંત્રમાટે કર્યું છે,જેથી મારું તમારું અને આપણા પરિવારનું જીવન ધબકતું રહે, લોકોના ચૂલા બળતા રહે નહિ કે ચા ની કીટલીઓ અને પાનના ગલ્લા પર બેસીને ગપ્પા મારવા માટે.ખરેખર તો આ સરકારની જવાબદારી જ નથી, આપણા જીવનનું મૂલ્ય આપણ ને સમજાવું જોઈએ, આપણે આપણા જીવનની કિંમત કરવી જોઈએ, નહિ કે સરકારે ફરજીયાત પણે નિયમો લાદી ને? તમે વિચારો કે સરકાર તમને માસ્ક ફરજીયાત કેમ પહેરાવડાવે છે? અરે આપણા રક્ષણ માટે, આપણા જીવન ને અને બીજાના જીવન ને બચાવવા માટે, તો પછી આપણે આ વાત સમજી ને સ્વેચ્છા એ માસ્ક ન પહેરવું જોઈએ ? શું આ આપણી ફરજ નથી ? સરકારે શું કામ માસ્ક વગરના પાસે દંડ લેવો પડે ? આપણે જ આપણી ફરજ ના ભાગ રૂપે લોકોના જીવન બચાવવાના ભાગ રૂપે માસ્ક ન પહેરી શકીએ ? અરે આજે ગમે ત્યાં આપણે આંટા ફેરા ને આશીર્વાદ કરીએ છે તો પહેલા એ વિચારીએ કે જો આપણ ને જરૂર ના હોય તો બિનજરૂરી ઘરની બહાર જ ના નીકળીએ,જરૂર પૂરતા કામ પૂરતા જ બહાર નીકળી ને લૉકડાઉન ના નિયમોનું પાલન કરવું જોઈએ. બાકી આપણી બેદરકારી થી કે આપણી બેકાળજી થી આપણે બધા જ હોસ્પિટલોને મોટી રકમ કમાવામાં મદદ કરી રહ્યા છે.

એક ડૉક્ટર તરીકે મારી આપ સૌને વિનંતી છે કે જો તમે પોતાની જાતને ખુબ બહાદુર સમજી ને કોરોનાના નીતિ નિયમો અવગણી રહ્યા છો તો ચેતી જજો કેમકે તમે આમ કરી ને હીરો નહિ તમારા પરિવાર માટે વિલન બની રહ્યાં છો, કોરોના આવા હીરો ને ક્યારેય નહિ છોડે સમજી લેજો.તમારી કોરોના પ્રત્યેની એક બેકાળજી તમારા પરિવાર કે તમારી પ્રિય વ્યક્તિ માટે જીવલેણ બની શકે છે.હાલ હિંમત આવનાર 6 થી આઠ મહિના શાંતિ રાખવાની છે, જરૂર વિનાના સંપર્કો ટાળવાની છે, જ્યાં સુધી રસીન આવી જાય ત્યાં સુધી એવું જ માની ને ચાલવા ની જરૂર છે કે જો હું કોરોના પ્રત્યે કે એના નિયમો પ્રત્યે બેદરકાર થયો તો મને કોરોના થઇ જ જશે. એટલે હાલ સ્વસ્થ રહેવા માટે બિન જરૂરી મેળાવડા, ગપસપ, ચા-કોફી ની કીટલીઓ પર જવાનું ટાળો,પરિવાર સાથે આનંદ પૂર્વકનો સમય પસાર કરો.

હું ફરીથી તમને બધાને ખૂબ સખત શબ્દોમાં કહીશ. માસ્ક વિના બહાર ન જશો, કોઈ પર વિશ્વાસ ન કરો તમે એવું જ માનીને ચાલો કે સામે વાળો કોરોના પોઝિટિવ જ છે, એટલે ગમે ત્યારે બહાર થી ઘરે આવો પરિવાર સાથે બેઠો ઉઠો એ પહેલા સ્નાન કરો પહેલા તો ચેહરાને અડવાનું ટાળો અને જો ચેહરાને સ્પર્શ કરવો પડે તો એ પહેલા સાબુ થી હાથ ધુઓ..આટલું કરશો તો કોરોના ક્યારેય તમને અડી નહિ શકે.

લેખક : ડૉ. યોગેશ ગુપ્તા
MD PHYSICIAN
ફોન : 99250-06256
ઈમેલ : [email protected]

One thought on “શું મને કોરોના છે ? શું મને કોરોના થઇ શકે છે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap