પાર્થ મજેઠીયા, ભાવનગર: કોરોના વેક્સિન સર્વે કામગીરી શહેરી વિસ્તારમાં કોર્પોરેશનની શાળાના શિક્ષકોને સોંપાયેલી છે. જેમાં 55 વર્ષથી વધુ વયનાં શિક્ષકોના કામગીરીના ઓર્ડર કેન્સલ કરાવતા તંત્ર જાણે શિક્ષકોની સામે પડયું હોય તેમ કામગીરીનો ઓર્ડર કેન્સલ કરાવેલા શિક્ષકોના મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર કઢાવવા અને અસક્ષમને સ્વૈચ્છિક અથવા ફરજીયાત નિવૃત્તિ માટે શાસનાધિકારી દ્વારા પરિપત્ર કરાતા શિક્ષણ વર્તુળમાં ઊહાપોહ મચ્યો છે.
સર્વેની કામગીરીમાં અણઘડતાને કારણે ૭ લાખની વસતીના સર્વેની કામગીરી માટે માત્ર ૪૦૦ જેટલા શિક્ષકોને જવાબદારી સોંપાય છે. બુથ વાઇસ માત્ર એક શિક્ષક એટલે કે, એક શિક્ષકે ૯૦૦ થી ૧૫૦૦ મતદારોનો સર્વે કરવાનો રહેશે. અને તે પણ માત્ર ત્રણ-ચાર દિવસમાં જ. તેમાં પણ નિવૃત્તિના આરે હોય તેવા શિક્ષકો કે જેઓને ચૂંટણીની કામગીરી પણ સોંપવામાં આવતી નથી તેઓને પણ સર્વેની કામગીરી સોંપાઈ હતી. જેને કારણે શિક્ષકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. અંતે ૫૫ વર્ષથી વધુ ઉંમરનાં ૬૧ શિક્ષકોનો કામગીરીનો ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યો હતો. શાસનાધિકારી દ્વારા તમામ કેન્દ્રવર્તી શાળાના આચાર્યોને ઉલ્લેખી શારીરિક માનસિક તકલીફ અનુભવતા શિક્ષકો અને ૫૫ વર્ષથી વધુ વયના શિક્ષકોના અને તેમાં પણ ખાસ કોરોના વેક્સિનેશનની કામગીરીના ઓર્ડર કેન્સલ કરાવેલા તમામ શિક્ષકોને મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર મેળવી લેવા પરિપત્ર બહાર પાડતા શિક્ષકોમાં વધુ નારાજગી ફેલાઈ છે. તંત્ર દ્વારા ભૂતકાળમાં પણ આવા કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યા નથી. કોરોના વેક્સિનેશનના ઓર્ડર કરાવેલા શિક્ષકો સામે તંત્ર દ્વારા રાગ-દ્વેષ રખાતો હોવાનું સ્પષ્ટ પરિપત્ર થી દેખાઈ આવ્યુ હતુ. આ બાબતે શિક્ષક સંઘ શુ પગલા ભરે છે તેની પર મીટ મંડાઈ છે.
55 વર્ષથી વધુ ઉંમરના શિક્ષકોએ કોરોના વેક્સિનેશનના સર્વેની કામગીરીના ઓર્ડર રદ કરાવતાં શાસનાધિકારી દ્વારા આચાર્યોને અપાયેલી સૂચનામાં શિક્ષકોનો બંને તરફ મરો થયો છે. અસક્ષમ હોય તો બાળકોને પણ પણ ભણાવી શકાશે નહીં જેથી નિવૃત્તિની સુચના આપી. શિક્ષકોએ જો નિવૃત ન થવું હોય તો ફરજિયાત વેક્સિનેશનની કામગીરી કરવી પડે તેવી તંત્રએ ચાલ ચાલી છે. કોરોના વેક્સિનેશનની કામગીરી ના ઓર્ડર કેન્સલ કરાવ્યા બાદ શાસનાધિકારી દ્વારા બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે, ૫૫ વર્ષથી વધુ વયના શિક્ષકો પણ જો કામગીરી કરવામાં અસક્ષમ જણાય તો તેમને સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અથવા તો ફરજિયાત નિવૃત્તિ માટે દરખાસ્ત કરવા આચાર્યોને સુચના આપવામાં આવી છે. જેથી શિક્ષકો પણ ધરબાઈ ગયા છે.
•સર્વે માટે ૫૫ વર્ષથી વધુ ઉંમરના શિક્ષકોના રદ થયા છે ઓર્ડર
•શિક્ષકોને આગળ ખાઈ અને પાછળ કુવો
•અનફીટ છો તો બાળકોને પણ નહીં ભણાવી શકો
