ડીસાના જાંબાઝ જીવદયા પ્રેમી ભરત કોઠારી સહિત ત્રણના મોત

ડીસાના જાણીતા જીવદયાપ્રેમીનું રાજસ્થાનમાં માર્ગ અકસ્માતની ઘટનામાં મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. અકસ્માતની ઘટનામાં એકસાથે ત્રણ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં ડીસા સહિત પાંજરાપોળ સંચાલકો અને જીવદયા પ્રેમીઓમાં મજબૂત સાથી ગુમાવ્યો હોવાની ખોટ પડી છે. તાજેતરમાં પાંજરાપોળ માટે લડત ચલાવ્યાંને ગણતરીના દિવસોમાં ભરત કોઠારીનું મોત થતાં શોકમગ્ન સ્થિતિ સર્જાઈ છે.

ડીસાના જાંબાઝ જીવદયા પ્રેમી ભરત કોઠારી સહિત ત્રણના મોત

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની રાજપુર- ડીસા પાંજરાપોળના સંચાલક ભરતભાઇ કોઠારીનું અકસ્માતની ઘટનામાં મોત થયુ છે. જીવદયાપ્રેમી ભરતભાઇ કોઠારી, વિમલભાઇ જૈન અને રાકેશભાઇ જૈનને રાજસ્થાનના જાલોર પાસે અકસ્માત નડયો હતો. માર્ગ અકસ્માતની દુર્ઘટનામાં જીવદયાપ્રેમી ભરતભાઇ કોઠારી સહિત ત્રણ વ્યક્તિના મોત થતાં અરેરાટી સાથે હાહાકાર મચી ગયો છે. પાંજરાપોળ સંચાલકોના આગેવાન અને બનાસકાંઠાના પ્રથમ હરોળના જીવદયાપ્રેમી ભરતભાઇ કોઠારીના મોતથી જિલ્લાભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મૃતક ભરતભાઇ કોઠારીએ તાજેતરમાં કોરોના કાળમાં પાંજરાપોળ સંચાલકોની કફોડી હાલત અંગે આંદોલન સહિત લડત ચલાવી હતી અને રાજ્ય સરકાર સમક્ષ પાંજરાપોળો અને ગૌશાળા ઓની વેદના અંગે ભરત કોઠારીએ વાચા આપી હતી. જેથી રાજ્ય સરકારે પશુ દીઠ સહાય મંજુર કરી હતી. જોકે તેના ગણતરીના દિવસોમાં મોત થતાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતની પાંજરાપોળ, ગૌશાળા અને ગૌરક્ષક સંસ્થાઓને મોટી ખોટ પડી છે.

પ્રખર જીવદયા પ્રેમી અને અબોલ જીવોના મસીહા ગણાતા ભરતભાઇ કોઠારીના અકાળે નિધનથી પંથકે એક બાહોશ અને નીડર યોદ્ધા ગુમાવ્યો છે. તેથી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લા અને રાજસ્થાનમાં પણ શોકની લાગણી છવાઈ છે. જ્યારે જીવદયા પ્રેમીઓએ તેમના આકસ્મિક નિધનથી આઘાતનો આંચકો અનુભવ્યો છે. મોટા ગજાના જીવદયા પ્રેમીના નિધનથી ખાલીપો સર્જાયો છે. તેથી કરુણ ઘટનાને લઈ બનાસવાસીઓના હૈયા હચમચી ઉઠ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap