બનાસકાંઠા: દાંતીવાડા પોલીસે ગઇકાલે મોડીરાત્રે ૧૪ ભેંસો ખીચોખીચ ભરેલઈ એક આઇસર ટ્રક ઝડપી પાડી છે. પોલીસને વર્ધી મળી હતી કે ચિત્રાસણી હાઇવે પર એક આઇસર ચાલકને કેટલાક લોકોએ બંધક બનાવી બે લાખની માંગણી કરેલ છે. જે આધારે ચિત્રાસણીથી ડીસા જવાના રોડ ઉપર પોલીસ તપાસમા રહેવા સુચના મળી હતી. આ દરમ્યાન દાંતીવાડા પોલીસને ભાખર મોટી બસ સ્ટેન્ડ પાસે આ આઇસર મળી આવતાં પંચો રૂબરૂ ચેક કરતાં અંદરથી ૧૪ ભેંસો એકદમ ખીચોખીચ ભરેલી હોઇ અને ઘાસચારા કે પાણીની વ્યવસ્થા પણ ન હોવાનું ખુલ્યું હતુ. જે આધારે પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા પોલીસે ગઇકાલે મોડી રાત્રે મોટી કાર્યવાહી કરી છે. પોલીસને કંટ્રોલરૂમથી વર્ધી મળેલ કે, પાલનપુરના ચિત્રાસણી હાઇવે ઉપર એક આઇસર ટ્રકના ચાલકને કોઇ અજાણ્યા ઇસમોએ બંધક બનાવી ૨ લાખની માંગણી કરેલ છે. જેને લઇ ચિત્રાસણીથી ડીસા તરફ જતાં હાઇવે પર તપાસ દરમ્યાન દાંતીવાડા પોલીસે ભાખર મોટી બસ સ્ટેન્ડ પાસેથી આઇસર ઝડપી પાડ્યું હતુ. જોકે અંદર કોઇ ઇસમ જોવા નહીં મળતાં આસપાસથી પંચો બોલાવી ચેક કરતાં ખુદ પોલીસ ચોંકી ઉઠી હતી.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગઇકાલે રાત્રે આઇસર ચાલકને બંધક બનાવ્યો હોવાના ફોન બાદ દાંતીવાડા પોલીસે તપાસ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કન્ટ્રોલરૂમમાંથી જે આઇસરની વર્ધી મળી હતી તે જ આઇસરમાંથી ૧૪ ભેંસો દયનિય સ્થિતિમાં મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જોકે હજી સુધી આઇસર ચાલક પણ મળી આવ્યો ન હોઇ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે આઇસરમાંથી ભેંસો નંગ-૧૩ કિ.રૂ.૪,૫૫,૦૦૦, પાડો નંગ-૧ કિ.રૂ. ૧૫,૦૦૦ અને આઇસરની કિ.રૂ.૪,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૮,૭૦,૦૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે અજાણ્યા ઇસમ સામે પશુઓ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાના અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાત્રે કંટ્રોલરૂમમાં આઇસર ચાલકને બંધક બનાવી બે લાખની ખંડણી માંગી હોવાનો ફોન આવ્યા બાદ દાંતીવાડા પોલીસને તપાસમાં રહેવા જાણ કરાઇ હતી. જોકે દાંતીવાડા પોલીસને ભાખર મોટી ગામેથી વર્ધી વાળું જ આઇસર બિનવારસી હાલતમાં મળી આવતાં અનેક ચર્ચાઓને સ્થાન મળ્યું છે. આ તરફ પોલીસે આઇસરમાંથી ખીચોખીચ અને દયનિય હાલતમાં ભરેલી ૧૪ ભેંસો ઝડપી પાડતાં હાલ સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે આઇસરનો ચાલક ક્યાં છે ?
