સૌરાષ્ટ્રનું સૌથી મોટુ કોલ સેન્ટર ઝડપાયુ, ચાર યુવતી સહિત સાતની ધરપકડ

વિનય પરમાર,રાજકોટ: શહેરમાં પોલીસ કમિશનર કચેરીથી 300 મીટર દૂર પારસી અગિયારી ચોકમાં સ્ટાર પ્લાઝા બિલ્ડીંગમાં ફોરેક્સ ટ્રેડિંગમાં તગડા વળતરની લાલચે દેશભરના નાગરિકો સાથે ઠગાઇ કરતા સૌરાષ્ટ્રના સૌથી મોટા કોલ સેન્ટર ઉપર ક્રાઇમ બ્રાંચે દરોડો પાડ્યો હતો. ઓફિસમાંથી કોલ સેન્ટરના સંચાલક ધોરાજીના માસ્ટર માઇન્ડ સૂત્રધાર, સુપરવાઈઝર ઉપરાંત ભાવનગર, જામનગર અને રાજકોટની ૪ ટેલીકોલર યુવતી સહિત ૭ વ્યક્તિને ઝડપી લીધા હતા. ઓફિસમાંથી લેપટોપ, રાઉટર, ૧૮ મોબાઇલ અને ગ્રાહકને જાળમાં લપેટવા તૈયાર કરાયેલી બે સ્ક્રિપ્ટ મળી આવી હતી. આ ટોળકી ભાડાની ઉપરોક્ત ઓફિસમાં છેલ્લા બે માસથી ફોરેક્સ ટ્રેડિંગમાં ૧૦૦ ટકા નફાની લોભામણી સ્કિમ સમજાવીને પૈસા પડાવાતા હતા. દોઢ માસમાં અંદાજીથ ૭૦ રોકાણકાર સાથે ૨૫ લાખની વધુ રકમની ઠગાઇ કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

સૌરાષ્ટ્રનું સૌથી મોટુ કોલ સેન્ટર ઝડપાયુ, ચાર યુવતી સહિત સાતની ધરપકડ

પ્રાપ્ત વિગત મુજબ, સ્ટાર પ્લાઝા બિલ્ડિંગમાં ચોથા માળે ઓફિસ નંબર ૪૦૯ માં ઇન્સ્યોર કેર નામથી ચાલતા કોલ સેન્ટરના માધ્યમથી ફોરેક્સ ટ્રેડિંગના નામે ઠગાઇનું કારસ્તાન ચાલી રહ્યાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ રાજેશ બાળા, સિધ્ધરાજસિંહ અને અશોક ડાંગરને માહિતી મળી હતી. ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.વી.બસીયા, પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.બી.ધાંધલ્યાએ મહિલા પોલીસ સહિતના સ્ટાફને સાથે રાખીને ઉપરોક્ત કોલ સેન્ટરમાં દરોડો પાડ્યો હતો.

ઓફિસમાંથી લતીફ ઇરશાદભાઇ નરીવાલા (ઉ.વ.૨૨,રહે,રાજકોટ, મૂળ ધોરાજી), આમીર અમીનભાઇ નરીવાલા (ઉ.વ.૨૭, રહે, રાજકોટ, મૂળ ધોરાજી), નશુરલ્લાહ અસ્પાકભાઇ પારુપીયા(ઉ.વ.૨૨,રહે, રાજકોટ, મુઇ ધોરાજી), કાજલ ભરત મકવાણા(ઉ.વ.૨૧, રાજકોટ, મૂળ, ભાવનગર), કોમલ હરેશભાઇ પ્રાગડા (ઉ.વ.૨૨, રહે,રાજકોટ,મૂળ, હર્ષદપુર, લાલપુર રોડ,જામનગગર), પુજા રસીકભાઇ સોલંકી (ઉ.વ.૨૪, રાજકોટ) અને સાહિસ્તા અસીમભાઇ તુંપી (ઉ.વ.૨૨, જામનગર)ને અટકાયતમાં લઇ લીધા હતા ઓફિસમાંથી એક લેપટોપ, રાઉટર, ૧૮ મોબાઇલ, લાઇટબીલ, હાજરી રજીસ્ટર, લીડ ટેડા કબજે લેવાયા છે. ઓફિસની માલિકી જયશ્રીબેન મહેતાની છે અને ભાડા કરારથી ભાડે આપ્યાનું ખુલ્યું છે.

આ ટોળકી શેરબજારમાં ડિમેટ એકાઉન્ટ ધરાવતા ક્લાયન્ટના લીડ ડેટા મેળવી દેશના જુદા જુદા રાજ્યમાં રહેતા નાગરિકોને કોલ સેન્ટરમાંથી ટેલીકોલ પાસે ફોન કરાવીને મોબાઇલ એપ્લીકેશનમાંથી ટ્રેડીંગ કરવાથી ૧૦૦ ટકા નફો મળવાની તેમજ નફામાંથી 30 ટકા કમિશનની લાલચ આપીને એકાઉન્ટમાં ૧૫ હજાર જમા કરાવે તો એપ્લીકેશનની લીંક મોકલતા, ખોટો નફો દર્શાવી વધુ પૈસા પડાવ્યા પછી મોબાઇલ સ્વીચ ઓફ કરી એકાઉન્ટ પણ બંધ કરાવી દેતા હતા.

મોબાઇલ એપ્લીકેશનથી ક્લાયન્ટ સાથે આ રીતે કરતા હતા છેતરપિંડી

•ફોરેક્સ ટ્રેડિંગની તૈયાર કરાવેલી EAGLE TRADE અને GLOBAL TRADE નામની એપ્લીકેશન પ્લે સ્ટોરમાં મૂકી ડિમેટ એકાઉન્ટ ધરાવતા ક્લાયન્ટનો સંપર્ક કરતા.
•ક્લાયન્ટના લીડ ડેટા મેળવ્યા પછી ટેલીકોલર પાસે ફોન કરાવી ૨૦૦ થી ૫૦૦ ડોલર(ભારતીય ચલણ પ્રમાણે ૧૫ હજારથી 3૫ હજાર રૂપિયા)માં ઉપરોક્ત બન્ને એપ્લીકેશનમાં ટ્રેડ કરવાથી ૧૦૦ ટકા નફાની લાલચ આપતા.
•બન્ને એપ્લીકેશનમાં ઓટોમેટિક ટ્રેડ થાય અને જે નફો થાય તેમાંથી કોલ સેન્ટરના સંચાલકને 3૦ ટકા કમિશન આપવાની શરત મૂકી લલચાવી આધારકાડ, પાનકાર્ડ, બેંક ડિટેઇલ, વ્હોટસએપ નંબર મેળવી લેતા.
•વિશ્વામાં આવેલો ક્લાયન્ટ UPI અથવા બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવે એ પછી એ રકમને મોબાઇલ એપ્લીકેશનમાં ડોલરમાં કન્વર્ટ કરીને બેલેન્સ દર્શાવતા.
•બે ત્રણ દિવસ પછી કલાયન્ટના એકાઉન્ટમાં સોફ્ટવેરથી મેન્યુપ્લેટ કરી 3૦ હજાર નફો દર્શવાવી ફોનથી જાણ કરતા હતા.
•ક્લાયન્ટ નફાની રકમ વીથડ્રો કરવા ઇચ્છતા હોય તો કમીશનના ૧૦ હજાર UPI અથવા બેંક એકાઉન્ટમાં જમા કરાવાનું કહેવાય, કલાયન્ટ પૈસા જમા કરાવે એટલે એ રકમ ઉપાડીને માત્ર 3૫૦૦ રૂપિયા જમા કરાવી બે દિવસ પછી ફરી વખત નફો દર્શાવે અને કમિશનના પૈસા મગાવી એકાઉન્ટ,સીમકાર્ડ બંધ કરી દેતા હતા.
•એક કસ્ટમરને ફસાવવા માટે ઓછામાં ઓછા ૧૫ થી ૨૫ દિવસનો સમય ફાળવતા હતા.

ઠગાઇ માટે ઉપયોગમાં લેવાતા બેંક એકાઉન્ટ, સીમકાર્ડની તપાસ

બે માસમાં લાખોની છેતરપીંડી કરનાર ફગ ટોળકીના કેટલા બેંક એકાઉન્ટ છે, ઠગાઇથી મેળવેલી રકમ કબજે કરવા, દરેક ક્લાયન્ટને અલગ અલગ નંબરથી ફોન કરતા હોવાથી એ સીમકાર્ડ ક્યાંથી અને કોના નામે લેવાયા હતા? એ સહિતના મુદ્દે તપાસ કરવા આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરવામાં આવી છે.

સૂત્રધાર અગાઉ સુરત એન્જલ બ્રોકીંગમાં ટેલીકોલર હતો, યુવતીઓ પણ ઉચ્ચ શિક્ષિત

સૂત્રધાર લતીફ ઇરશાદભાઇ નરીવાલા (ઉ.વ.૨૨,રહે, નેહરુનગર, રૈયારોડ, રાજકોટ, મૂળ ધોરાજી) ધોરણ ૧૨ પાસ છે અને અગાઉ સુરતમાં એન્જલ બ્રોકીંગમાં ટેલીકોલર હોવાથી આ ધંધાથી માહિતગાર હતો.
•કોલ સેન્ટરનો સુપરવાઇઝર આમીર અમીનભાઇ નરીવાલા (ઉ.વ.૨૭, રહે, નેહરુનગર, રૈયારોડ, રાજકોટ, મૂળ ધોરાજી) માત્ર ૮ ધોરણ પાસ અને સૂત્રધાર લતીફનો પિતરાઇ છે.
•નશુરલ્લાહ અસ્પાકભાઇ પારુપીયા(ઉ.વ.૨૨,રહે, નેહરુનગર, રૈયારોડ, રાજકોટ, મુઇ ધોરાજી) પણ ૮ ધોરણ પાસ છે અને કોલ સેન્ટરમાં આસીસ્ટન્ટ સુપરવાઇરઝ તરીકે કામ કરતો હતો.
•કાજલ ભરત મકવાણા(ઉ.વ.૨૧, પંચનાથ પ્લોટ-૪, મંગલમ હોસ્પિટલ સામે,કેલાસ હોસ્ટેલ, મૂળ, ભાવનગર) ટેલીકોલર તરીકે નોકરી કરતી હતી, તેણે બી.એ. સુધી અભ્યાસ કર્યો છે.
•કોમલ હરેશભાઇ પ્રાગડા (ઉ.વ.૨૨, રહે, રોયલ પાર્ક-૯, ઘનશ્યામ હોસ્ટેલઘ કાલાવડ રોડ, રાજકોટ,મૂળ, હર્ષદપુર, લાલપુર રોડ,જામનગગર) ગ્રેજ્યુએટ છે અને ટેલીકોલર તરીકે નોકરી કરતી હતી.
•પુજા રસીકભાઇ સોલંકી (ઉ.વ.૨૪, નવાગામ,ગ્રીનલેન્ડ ચોકડી પાસે, રાજકોટ) ટેલીકોલર તરીકે નોકરી કરતી હતી, તે એમ.બી.એડ સુધી ભણેલી છે
•સાહિસ્તા અસીમભાઇ તુંપી (ઉ.વ.૨૨, જામનગર) પરિણિત અને ગ્રેજ્યુએટ છે. તે પણ કોલ સેન્ટરમાં ટેલીકોલર તરીકે કામ કરતી હતી.

•આરોપીએ બે માસ પહેલાં ભરતીની જાહેરાત પ્રસિધ્ધ કરાવીને ૪ ટેલીકોલર યુવતીની ભરતી કરી હતી.

૪ માસ પહેલાં પકડાયેલા કોલ સેન્ટરનો સૂત્રધાર હજી ફરાર

ક્રાઇમ બ્રાંચે ઓગસ્ટ ૨૦૨૦માં ૧૫૦ ફૂટના રોડ પર આલ્પા પ્લસ કોમ્પલેક્સમાં ઓફિસ નંબર ૮૦૪ માં દરોડો પાડી મુંબઇની યુવતી સહિત નાગાલેન્ડ,હિરિયાણા, દિલ્હીના ૯ શખસને ઝડપી લીધા હતા, જેમાં ત્રણ સગીરવયના હતા. કોલ સેન્ટરના હેન્ડલર અને સૂત્રધાર મુંબઇના માસ્ટર માઇન્ડ દેવેન્દ્ર ઉર્ફે નેનોનું નામ ખુલ્યું હતું જે હજી પોલીસની પહોંચ બહાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap