રાજેશ દેથલીયા અમરેલી: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે એટલે કે,6 ડિસેમ્બરના રોજ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ખાતે યોજાનાર નાવડા- ચાવંડ બલ્ક પાઈપલાઈન યોજનાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે.

નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચાડવાના આ કામો માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજિત રૂ. ૬૪૪ કરોડની જરૂરી મંજુરી આપવામા આવી હતી. આ કામોના ટેન્ડરની કાર્યવાહી પૂર્ણ કરી સંબંધિત એજન્સીને કામો સુપ્રત કરવામાં આવ્યા હતા. આ પ્રોજેકટના કામો પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા માટે કાર્યાન્વિત થયાની સાથે ૨૦ માસનો સમયગાળો તથા ત્યારબાદ દસ વર્ષનો સમયગાળો મરામત અને નિભાવણી માટે રાખવામાં આવેલ છે. જે મુજબ આ કામો જુન ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. હાલ આ પ્રોજેક્ટ માટે જરુરી પાઇપ ઉત્પાદનની કામગીરી પાઇપ ઉત્પાદન કંપનીમાં એજન્સી દ્વારા હાથ ધરવામાં આવનાર છે તેમજ એજન્સી દ્વારા સ્થળ પર આવતા વિવિધ ક્રોસીગ માટેની વિવિધ વિભાગો પાસેથી લેવાની થતી મંજુરીઓની કાર્યવાહી તથા પાઇપો નાખવા માટેની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
રાજ્ય સરકારની આ વિવિધ યોજનાના કામો પૂર્ણ થઈને કાર્યાન્વિત થતા બોટાદ જિલ્લાના ગઢડાથી ચાવંડ સેકશન તથા અમરેલી જિલ્લાના બાબરા, ધારી, સાવરકુંડલા તથા જુનાગઢ અને વીસાવદર તાલુકાના ગામો તથા રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી તથા જામકંડોરણાના ગામો તથા પોરબંદર જિલ્લાના રાણાવાવ, પોરબંદર, કુતીયાણા તાલુકાના ગ્રામ્ય, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારો મળી કુલ ૧૨૯૮ ગામો અને ૩૬ શહેરોની ભવિષ્યની કુલ ૩૩ લાખની વસ્તીને વધારાના પીવાના પાણીનો લાભ મળી શકશે.
