ગાંધીનગર: સીએમ રૂપાણીએ રાજ્યની માતૃશક્તિને આત્મનિર્ભરના માર્ગે વાળવા શરૂ કરેલી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની સંપૂર્ણ માહિતી-વિગતો પારદર્શી રીતે મળી રહે તેવા ઉદાત્ત ઉદ્દેશ્યથી આ યોજનાનું વેબ પોર્ટલ લોંચ કર્યુ હતું.
રાજ્ય મંત્રીમંડળની મળેલી બેઠકમાં આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની પ્રગતિ, લાભાર્થીઓની તેમજ સહભાગી બેંકો-નાણાંકીય સંસ્થાઓની વિસ્તૃત માહિતી સાથેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ વેળાએ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ વેબ પોર્ટલ www.mmuy.gujarat.gov.in નું લોન્ચીંગ કર્યુ હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી રાજ્યમાં આ બહુહેતુક મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં પ૦ હજાર અને શહેરી ક્ષેત્રોમાં પ૦ હજાર એમ ૧ લાખ મહિલા જૂથોની ૧૦ લાખ માતા-બહેનોને જૂથ દીઠ રૂ. ૧ લાખની સહાય પોતાના ગૃહ ઊદ્યોગ-નાના વ્યવસાય શરૂ કરવા માટે આપવામાં આવે છે.
જોઇન્ટ લાયાબીલીટી અર્નિગ એન્ડ સેવીંગ જૂથની રચના કરીને આવા મહિલા ગૃપને નેશનલાઇઝડ બેન્ક, ખાનગી બેંકો, સહકારી બેંકો અને વિવિધ ધિરાણ સંસ્થાઓ મારફત રૂ. ૧ લાખનું ધિરાણ અપાશે. મુખ્યમંત્રીએ લોંચ કરેલા વેબ પોર્ટલ www.mmuy.gujarat.gov.in પરથી યોજનાની સંપૂર્ણ વિગતો, લાભાર્થીની પાત્રતા તેમજ જૂથની રચના થતાં જ ગ્રામીણસ્તરેથી તેની વિગતો પોર્ટલ પર ઉપલબ્ધ બનશે.
આના પરિણામે યોજનામાં સહભાગી બેંકોને તેમના કાર્યક્ષેત્રના મહિલાજૂથોની વિગતો સીધી જ મળતી થવાથી લોન-સહાય એપ્રૂવલની પ્રક્રિયા ઝડપી બનશે અને પેપરલેસ ગર્વનન્સનો અભિગમ સાકાર થતાં બેંકો આ પોર્ટલ પરના સ્ટેટસના આધારે મહિલા જૂથોની લોન-ધિરાણ અંગેની પોતાની પ્રોસેસ શરૂ કરી દેશે. એટલું જ નહિ, જે-તે મહિલા જૂથના લાભાર્થી કે નોંધણીકારને પણ વેબ પોર્ટલ પરથી તેમની લોન-ધિરાણની સ્થિતીની જાણકારી મળી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય વહિવટમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પેપરલેસ અને લેસ હ્યુમન ઇન્ટરફેઇસ કાર્ય વ્યવસ્થા વિકસાવવાની જે નેમ રાખી છે તેમાં આ પોર્ટલ નવું સિમાચિન્હ બનશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તા.૧૭મી સપ્ટેમ્બર-ર૦ર૦ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોવીના જન્મદિવસની રાજ્યની મહિલાશક્તિની આર્થિક ઉન્નતિની ભેટ રૂપે આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવેલો છે.
આ યોજનાના સફળ અમલીકરણ માટે રાજ્ય સરકારે ૬પ અર્બન કો-ઓપરેટીવ બેન્ક તથા કુલ ૧ર૪ જેટલી સહકારી તેમજ અન્ય બેંક મળી ૧૮૯ સંસ્થાઓ સાથે MoU અત્યાર સુધી કરેલા છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે રાજ્યભરમાં ૪૪૮પ૪ જેટલા જોઇન્ટ લાયાબિલીટી અર્નિગ એન્ડ સેવિંગ જૂથોની રચના થઇ ગઇ છે. આના પરિણામે રાજ્યની આવી ૪ લાખ ૪૮ હજાર માતા-બહેનોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે.
