CM રૂપાણીના હસ્‍તે 124 ગામની સમસ્યા દૂર કરતી યોજનાનું ખાતમુહૂર્ત

ગાંધીનગર: સીએમ રૂપાણીએ વલસાડ જિલ્લાના 124 ગામ અને 404 ફળીયાને પીવાનું પુરતું શુદ્ધ પાણી પુરૂં પાડનારી 154.14 કરોડ રૂપિયાની પાંચ પાણી પુરવઠા સુધારણા યોજનાના ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા.

સીએમ રૂપાણીએ રાજ્યમાં વિશાળ વોટરગ્રીડના નિર્માણથી દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોચાડવામાં ગુજરાતે સફળતા મેળવી છે તેવો સ્પષ્ટ મત આ વેળાએ વ્યકત કર્યો હતો.

સીએમ રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં ઘરે-ઘરે નળથી જળ, શૌચાલય, ગેસ-વીજ જોડાણ, જન-ધન એકાઉન્ટના લાભ આપ્યા છે. ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર (DBT)થકી વચેટીયાઓની નાબુદી અને દરેક પરિવારને પાકા ઘર આપવા માટે સરકાર કૃતનિશ્ચયી છે.
સીએમએ કહ્યું કે, ગુજરાતના 30 ટકા વિસ્તારમાં 70 ટકા વરસાદ પડે છે અને 70 ટકા વિસ્તારમાં 30 ટકા વરસાદ પડે છે. વલસાડ ગુજરાતનું ચેરાપુંજી છે. અહીં નદીના મુખ માટે વરસાદનું પાણી વહી જાય છે. આથી જિલ્લામાં જળસંચય અને વિતરણ માટે પાણી પુરવઠા વિભાગના વિવિધ પ્રકલ્પો-યોજનાઓ આવશ્યક બની રહે છે. લોકોને શુદ્ધ પાણી મળતા જમીનની નીચેનું ક્ષારયુક્ત પાણી પીવું નહીં પડે. દાંત પીળા થવા અને હાથીપગા જેવા અશુદ્ધપાણીજન્ય રોગોમાંથી મુક્તિ મળશે.

ભુતકાળમાં પીએમ મોદીએ દાહોદ ખાતે 550 કરોડ રૂપિયાના પાણી પુરવઠા યોજનાની ખાતમુહુર્તની જાહેરાત કરી હતી. તે અંતર્ગત તમામ કામો પૂરા થવા આવ્યા છે. વલસાડ જિલ્લામાં સરકારે 1500 કરોડની પાણી પૂરવઠા યોજનાઓ મંજુર કરી છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતમાં ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં ખાસ કરીને 80 થી 90ના દશકમાં પાણીની જે વિકટ સ્થિતી હતી તેની વરવી વાસ્તવિકતા વર્ણવતા કહ્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છ ઉત્તર-ગુજરાતે પાણી માટે વલખાં માર્યા છે, બહુ સહન કર્યુ છે.

તેમણે ઉમેર્યુ કે, પાણી માટે રમખાણો થતાં, સૌરાષ્ટ્રમાં તો ટ્રેન દ્વારા પાણી પહોચાડવું પડતું અને ટેન્કર રાજમાં પણ ભ્રષ્ટાચાર ચાલતો, અઠવાડિયે, પાંચ દિવસે લોકોને પાણી મળતું અને પાણીના અભાવે લોકો હિજરત કરી જતા.

સીએમ રૂપિયાણી વધુમાં કહ્યું કે, કોંગ્રેસે ૨૦૧૯ના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને મુક્ત બજાર આપવાની અને શાકભાજી-ફ્રુટના વેચાણને એ.પી.એમ.સી. એક્ટથી બહાર કરવાની વાત કરી હતી. આજે એ જ કોંગ્રેસ અને રાહુલ ગાંધી ખેડૂતો માટે મગરના આંસુ સારી રહ્યા છે.
ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે ખેડૂતોને ગોળીએ દીધા હતા. તેમની ખાંભીઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજે પણ જોવા મળે છે.

મુખ્‍યમંત્રીએ ઉમેર્યું કે, સરકારે છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂા.૧૮ હજાર કરોડની પાક ઉપજની ખરીદી કરી છે. ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજયના ૧૧૦૦ ગામડાઓને લાભ મળી રહયો છે.

અમારી સરકાર ગરીબો,પીડિતો,ખેડૂતો,આદિવાસીઓની સરકાર છે, એમ જણાવતાં મુખ્‍યમંત્રીએ ઉમેર્યું કે, આદિવાસીઓના કલ્‍યાણ માટે પેસા એકટની અમલવારી, આદિવાસીઓને જમીન માલિકીના હક્ક આપવા ઉપરાંત આદિવાસી વિસ્‍તારમાં મેડીકલ કૉલેજ, એકલવ્‍ય શાળા અને વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરી છે. આદિવાસીઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્‍કર્ષ માટે વનબંધુ કલ્‍યાણ યોજના અમલમાં મૂકી છે. જેને પરિણામે આદિવાસીઓના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્‍યું છે.

આપણે સૌના સહિયારા પ્રયાસોથી કોરોના સંક્રમણને અટકાવવામાં સફળ રહ્યાં છીએ. રાજ્ય સરકારે છેલા ચાર-પાંચ મહિનામાં વિકાસની યાત્રા વણથંભી રાખી છે. કોરોનાકાળમાં ૨૦,૦૦૦ કરોડના વિકાસકાર્યો સંપન્ન કર્યા છે.

તેમણે કહ્યું કે, આજે વિશ્વભરમાં ગુજરાતની વિકાસ યોજનાઓની ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ ખાતે રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમુહુર્ત કર્યું. આ રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છના સીમાડે ૩૦ હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે. ઉપરાંત ૩૭ કરોડ લિટર દરિયાના ખારા પાણીને શુદ્ધ કરી આપશે. આજે ગિરનારનો સૌથી ઊંચો રોપ-વે હોય, રો-પેક્સ ફેરી સર્વિસ કે સી-પ્લેન સેવા હોય આ તમામ ગુજરાતની વિકાસયાત્રાના સીમાચિહ્ન પુરવાર થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap