સીએમ રૂપાણીએ સૌરાષ્ટ્રના વિવિધ ભવનોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

ગાંધીનગર: સીએમ રૂપાણીએ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ અવસરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોના ઈ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું કે, રાજ્ય સરકારે બે દાયકામાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનો કાયાકલ્પ કર્યો છે. સમગ્ર ભારતમાં ગુજરાત એજ્યુકેશનલ હબ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે. ગુજરાતની સ્થાપના બાદ ૪૦ વર્ષો સુધી રાજ્યમાં માત્ર ૧૧ યુનિવર્સિટી હતી જ્યારે આજે વધીને ૭૭ થઇ છે.

ગુજરાતે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એપ્રેન્ટિસશીપ યોજના, યુવા સ્વાવલંબન યોજના અને શોઘ યોજના થકી રાજ્યના યુવાનોને એમ્પાવર્ડ કર્યા છે. છેલ્લા ૪ વર્ષમાં લગભગ દોઢ લાખ યુવાનોને સરકારી નોકરી આપી છે, ૫૪૦૦ જેટલા ભરતી મેળા ધ્વારા પ્રાઈવેટ સેક્ટરમાં ૧ર લાખથી વધુ નોકરીઓ આપી છે. હજારો યુવાનોને વ્યવસાય કરવા માટે લોન આપીને તેમને જોબ સિકર નહિ પરંતુ જોબ ગિવર બનાવ્યા છે. ગુજરાતમાં બેરોજગારી દર સૌથી ઓછો ૩% છે તેમ તેમણે ઉમેર્યું હતું.

૨૫,૦૦૦થી વધુ યુવા-વિદ્યાર્થીઓએ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનો ઉલ્લેખ કરી તેમને બિરદાવ્યા હતા. ભલે દોઢસો વર્ષ વીતી ગયાં હોય પરંતુ આજે પણ સ્વામી વિવેકાનંદ યુવાનોના રોલ મોડલ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ યુવાનોને સતત નવું વિચારવા અને સતત નવું કરતા રહેવાની પ્રેરણા આપતા કહ્યું કે, જો ક્યારેક ક્ષણિક નિષ્ફળતા મળે તો સ્વામી વિવેકાનંદજીના સંદેશાને અનુસરો.

મુખ્યમંત્રીએ કહ્યું કે, સ્વામી વિવેકાનંદજીએ પશ્ચિમમાં જઈને સમગ્ર વિશ્વને ભારતીય જીવન દ્રષ્ટિથી પરિચિત કરાવ્યા હતા. સમગ્ર વિશ્વને વસુધૈવ કુટુમ્બકમની પ્રેરણા આપી હતી. ગુજરાતીઓએ ગૌરવ લેવા જેવી વાત એ છે કે સ્વામીજીને પશ્ચિમમાં જવાની પ્રેરણા ગુજરાતની ભૂમિમાંથી મળી હતી.

તેમણે અટલજીની કવિતાનો ઉલ્લેખ કરી કહ્યું કે, જ્યારે જ્યારે દુનિયામાં અજ્ઞાનનો અંધકાર ફેલાયો, જ્યારે જ્યારે માનવજાત પર મોટી આફત આવી ત્યારે ત્યારે આ ભારત દેશે વિશ્વનું માર્ગદર્શન કર્યું છે. આપણે વેસ્ટર્ન કલ્ચરને ફોલૉ કરીને ‘નમસ્તે’ કરવાનું ઓછું કરી દીધું હતું પણ આજે કોવિડના સમયમાં આપણે દુનિયાભરના લોકોને નમસ્તે કરતા જોયા છે.

તેમણે વધુમાં કહ્યું કે, ‘આત્મનિર્ભર ભારત’ની રાહે ચાલી રહેલા આપણા દેશે દુનિયાની તમામ ધારણાઓને ખોટી પાડીને એક નહીં પણ બે-બે સ્વદેશી વેક્સિન આપીને પોતાના સામર્થ્યનો પરિચય આપ્યો છે. ભારતે બનાવેલી વેક્સિન માટે આજે દોઢસોથી વધુ દેશોએ માંગણી કરી છે. આ તાકાત દેશના યુવા વૈજ્ઞાનિકોની છે તેનું તેમણે ગૌરવ કર્યુ હતું.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, દેશના યુવાનો માટે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન બહુ મોટો અવસર છે. પોતાની શક્તિ-સામર્થ્ય ભારતને મહાસત્તા બનાવવાની દિશામાં તેઓ બહુ મોટો ફાળો આપી શકે છે. મને મારા રાજ્યના યુવાનોની શક્તિ પર પૂરો ભરોસો છે અને એ ભરોસોના આઘારે હું આજે કહું છું કે આવનારા વર્ષોમાં ભારત એક મહાસત્તા હશે અને તેનું કેન્દ્ર બિંદુ ગુજરાત હશે, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap